રાજકોટ જિલ્લાના વિકાસના કાર્યોને ઝડપભેર આગળ વધારવા રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઇ બોદરના અધ્યક્ષ સ્થાને શાખાધિકારીઓની બેઠક યોજાઈ
તમામ શાખામાં કામની તારીખ પે તારીખ નહિ પણ “ઝીરો પેન્ડસી” જ હોવી જોઈએ: પ્રમુખ ભુપતભાઇ બોદર
રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઇ બોદરના અધ્યક્ષ સ્થાને જિલ્લા પંચાયત ખાતે તમામ શાખાધિકારીઓની બેઠક તારીખ ૬ ઓગસ્ટના ૨૦૨૧ના રોજ યોજાઈ હતી જેમાં કારોબારી ચેરમેન સહદેવસિંહ જાડેજા, સામાજિક ન્યાય સમિતિ ચેરમેન મોહનભાઇ દાફડા, જિલ્લા પંચાયતના સદસ્ય વિરલભાઈ પનારા, મુકેશભાઈ તોગડીયા તેમજ ધર્મેન્દ્રભાઈ ટીલાળા, રાજેશભાઈ ચાવડા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, હિસાબી અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, પ્રોગ્રામ ઓફિસર, ખેતીવાડી અધિકારી, જિલ્લા આરોગ્ય અધિકારી, મદદનીશ જિલ્લા રજિસ્ટ્રાર પ્રતિનિધિ, માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર સહિતના આધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠકમાં પ્રમુખ ભુપતભાઇ બોદરે ઉપસ્થિત શાખાધિકારીઓને જિલ્લા પંચાયતની રાજકોટ જિલ્લામાં આવેલ તમામ મિલકત વિષે માહિતી પુરી પાડવા તેમજ જિલ્લા પંચાયતની તમામ શાખાઓ દ્વારા થયેલ વૃક્ષરોપણ કાર્યક્રમની માહિતી પુરી પાડવા જણાવેલ હતું. આ ઉપરાંત તમામ શાખાધિકારીઓએ મુલાકાત માટેના સમયના બોર્ડ મુકાવવા અને કામ નિકાલની સમયમર્યાદા નક્કી કરવા ખાસ માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ હતું અને “ઝીરો પેન્ડસી”ના ધોરણે જ કામ થવું જોઈએ તેવો ભારપૂર્વક આગ્રહ પ્રમુખ બોદરે કરેલ હતો. તેમજ સિંચાઈ શાખામાં ચેકડેમની વિગતો, ટેન્ડર પ્રક્રિયા, બાકી બીલોની વિગતો અને ચીભડાં ગામના તળાવના રીપેરીંગ અંગે સિંચાઈ શાખાના કાર્યપાલક ઈજનેરને સૂચના આપી હતી, વિવિધ વહીવટી-હિસાબી કાર્યો અને કાયમી અને કોન્ટ્રાકટ બેઈઝના કર્મચારીઓની સમયસરની હાજરી, ભરતી પ્રક્રિયા, છેલ્લા એક વર્ષ દરમ્યાન જિલ્લા પંચાયતમાં કોન્ટ્રાકટથી રાખેલા વાહનો વિષે જરૂરી માહિતી પુરી પાડવા ઉપસ્થિત શાખાધિકારીઓને જણાવેલ હતું. ઉપરાંત આગામી ૧૫ ઓગસ્ટ ૨૦૨૧ ના રોજ આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થયેલ હોઈ આઝાદીનો અમૃત મહોત્સવ અન્વયે રાષ્ટ્રભાવના પ્રબળ બનાવવા રાષ્ટ્રગીતનો વિડીયો બનાવી અપલોડ કરવો, પ્રજાના પ્રશ્નો એપ્લિકેશનમાં આવેલ વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે શાખાવાઈઝ સંકલન કરવા જરૂરી માર્ગદર્શન પૂરું પડેલ હતું.
- Advertisement -
અંતમાં પ્રમુખ ભુપતભાઇ બોદરે જણાવેલ હતું કે ગુજરાતની વણથંભી વિકાસયાત્રામાં અવિરતપણે સમર્પિત રહી “પ્રજાના સુખે સુખી અને પ્રજાના દુખે દુઃખી” વિચારધારા ધરાવતા માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં અનેક લોકકલ્યાણકારી અને જનસુખાકારી નિર્ણયોનું અમલીકરણ કરાવવામાં આવ્યું છે ત્યારે રાજકોટ જિલ્લામાં વિકાસ કાર્યોને વેગવંતા બનાવવા માટે અને જિલ્લાના તમામ ગામોમાં કોઈપણ પ્રાથમિક માળખાકીય અને આંતરમાળખાકીય સુવિધાથી વંચિત ના રહી જાય તે માટે આપણે સહુએ કટિબદ્ધ બનવાનું છે. મિટિંગના અંતે ભુપતભાઇએ ઉપસ્થિત તમામ શાખાધિકારીઓનો આભાર વ્યક્ત કરેલ હતો.