સરકારી 66% તો મેનેજમેન્ટ ક્વોટામાં 88%નો ફી વધારો પરત ખેંચવા માંગ; વિદ્યાર્થીઓ-વાલીઓએ પ્લે કાર્ડ સાથે નારેબાજી કરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.5
રાજકોટ સહિત રાજ્યભરમાં GMERS કોલેજોમાં તબિબ બનવા માટેની ફીમાં અસહ્ય વધારો કરવામાં આવતા આજે રાજકોટમાં મેડિકલના વિદ્યાર્થીઓ અને વાલીઓ બહુમાળી ભવન ચોક ખાતે એકઠા થયા હતા. જ્યાં ફી વધારો પાછો ખેંચો, અમારે ડોક્ટર કઈ રીતે બનવું તે પ્રકારની નારેબાજી સાથે પ્લે કાર્ડ બતાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ગવર્મેંન્ટ ક્વોટામાં 66 ટકા તો મેનેજમેન્ટ ક્વોટાની ફીમાં 88 ટકાનો વધારો કરવામાં આવતા આગામી સમયમા GMERSની વડી કચેરી ખાતે રજૂઆત બાદ પણ ફીમાં ઘટાડો કરવામાં નહીં આવે તો વિદ્યાર્થીઓ અને વાલીઓ કોર્ટમાં જશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. વાલી પારસ આસરે જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા સામાન્ય વિદ્યાર્થીઓ પણ તબીબ બની શકે તે માટે GMERSની રચના કરવામાં આવી છે. જેમાં મેડિકલ ફીમાં રાતોરાત વધારો કરી દેવામાં આવ્યો છે. ગવર્મેન્ટ ક્વોટાની ફી રૂ. 3.50 લાખથી વધારી રૂ. 5.50 લાખ કરી દેવામાં આવી. આ સાથે જ મેનેજમેન્ટ ક્વોટાની ફી રૂ. 9,07,500 હતી,
- Advertisement -
જે વધારીને રૂ. 17 લાખ કરી નાખવામાં આવી છે, જે અસહ્ય વધારો કહી શકાય. ટકાવારી મુજબ વાત કરીએ તો ગવર્મેન્ટ ક્વોટામાં 66 ટકાનો વધારો થયો છે, જ્યારે મેનેજમેન્ટ કવોટામાં 88 ટકાનો વધારો કરી દેવામાં આવ્યો છે. જે સામાન્ય પબ્લિકને પરવડે તેમ નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારને અમારી વિનંતી છે કે, GMERSમાં મેડિકલના વિદ્યાર્થીઓ માટે કરવામાં આવેલા ફી વધારાને તાત્કાલિક પરત ખેંચવામાં આવે અને વાલીઓને રાહત આપવામાં આવે. આટલી બધી ફીમાં સામાન્ય આર્થિક પરિસ્થિતિ ધરાવતા પરિવારજનોના સંતાનો ભવિષ્યમાં તબીબ બની નહીં શકે. રાજકોટમાંથી 11,000 વિદ્યાર્થીએ ગઊઊઝની પરીક્ષા આપી હતી. જેમાં 720માંથી 600થી વધુ માર્કસ આવ્યા હોય તેઓને ગવર્મેંન્ટ ક્વોટા તો 550 કે તેથી વધુ માર્કસ આવ્યા હોય તેઓને મેનેજમેન્ટ ક્વોટામાં એડમિશન મળે. ગાંધીનગરમાં GMERSની મુખ્ય કચેરી ખાતે આગામી મંગળવારે વાલી મંડળ રજૂઆત કરશે. જેમાં પણ કોઈ નિરાકરણ નહીં આવે તો ભવિષ્યમાં કોર્ટમાં જવું પડે તો તેના માટે પણ અમે તૈયાર છીએ.
જ્યારે વિદ્યાર્થિની રિતિકા પટેલે જણાવ્યું હતું કે, GMERS કોલેજમાં જે ફી વધારો થયો છે તે ડબલ છે. અમે 2 વર્ષથી ગઊઊઝ પરીક્ષાની તૈયારી કરી પાસ થયા. હવે ફીમાં પધારો કરવામાં આવ્યો છે અને ગવર્મેન્ટ ક્વોટાની સીટ મેનેજમેન્ટ ક્વોટામાં કરી નાખવામાં આવી છે. ગવર્મેંન્ટ ક્વોટામાં રૂ. 30 લાખ તો મેનેજમેન્ટ ક્વોટામાં રૂ. 80 લાખ થાય છે. તમામને આટલી ફી પોસાય તેમ નથી તો અમે મહેનત કરી તેનું શું? આટલી ફી માં અમારે ડોક્ટર કઈ રીતે બનવું તે સમસ્યા છે.