મંદીના માહોલમાં મોરબીના સિરામિક ક્લસ્ટરને વધુ એક ફટકો
ખાસ-ખબર સંવાદદાતા
સમગ્ર વિશ્વના બીજા નંબરના સૌથી મોટા મોરબીના સિરામીક ઉદ્યોગકારોએ ગુજરાત ગેસની મોનોપોલી તોડવા કમર કસી હતી ત્યારે પ્રવર્તમાન બજારભાવ મુજબ ગુજરાત ગેસના નેચરલ ગેસની તુલનાએ પ્રોપેન ગેસ 17 રૂપિયા સસ્તો પડતો હતો ત્યારે એચપીસીએલ ઓઈલ કંપની દ્વારા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને રૂપિયા 3170 નો ભાવ વધારો ઝીંકવામાં આવ્યો છે જેથી ઉદ્યોગકારોની મુશ્કેલીમાં વધારો થયો છે.
ગુજરાત ગેસના નેચરલ ગેસમાં દીન પ્રતિદિન કંપની દ્વારા ઉપરાછાપરી ભાવ વધારો ઝીંકી દેવામાં આવતા અંતે મોરબીના સિરામિક ઉદ્યોગકારો પ્રોપેન ગેસ તરફ વળ્યા છે અને સિરામિક ઉદ્યોગકારોએ સસ્તા ગેસના વિકલ્પરૂપે પ્રોપેન અને એલપીજીનો વપરાશ શરૂ કર્યો છે. હાલમાં 70 ટકા જેટલા સિરામિક એકમો પાઇપલાઇન નેચરલ ગેસને બદલે પ્રોપેન અને એલપીજીનો વપરાશ કરી રહ્યા છે પરંતુ હવે પ્રોપેન ગેસમાં પણ પ્રતિ ટને રૂપિયા 3170 નો ભાવ વધારો થતાં સિરામિક ઈન્ડસ્ટ્રીઝને મંદીમાં વધુ એક માર પડ્યો છે. પ્રોપેન ગેસના સતાવાર ડીલર્સ દ્વારા મોરબીના સિરામિક ઉદ્યોગકારોને વોટ્સએપ મારફતે મેસેજ મોકલીને એચપીસીએલ કંપની દ્વારા રૂ. 3170 નો ભાવ વધારો થતાં કંડલાથી નવા ભાવ રૂ. 59,500 અને મુન્દ્રાથી પ્રોપેન ગેસના નવા ભાવ રૂ. 58,800 અમલી બનશે તેવું સ્પષ્ટ કર્યું છે સાથે જ અન્ય પેટ્રોલિયમ કંપનીઓ પણ ટૂંક સમયમાં પ્રોપેન ગેસના ભાવમાં વધારો કરવાની હોવાની માહિતી મળી છે.