ટેન્કર, બોલેરો સહીત 29.85 લાખનો મુદામાલ કબ્જે કરાયો
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી જીલ્લામાં ચોરી છુપીથી થતી અનઅધિકૃત પ્રવૃતિ અટકાવવા અને તેની સાથે જોડાયેલ તત્વો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની સુચનાને પગલે આવી પ્રવૃતિ કરતા તત્વોને ઝડપી લેવા એલસીબીએ બાતમીદારોને સક્રિય કર્યા હતા તે દરમિયાન એલસીબી ટીમને ખાનગી બાતમી મળી હતી કે, મોરબી તાલુકાના બહાદુરગઢ ગામના પાટીયા સામે આવેલ શેરે પંજાબ હોટલ નજીક, અવધ વે બ્રીજ પાછળ, બામણકા સીમ જતા રસ્તે બહાદુરગઢ ગામની સીમમાં ખુલ્લી જગ્યામાં કેટલાક તત્વો ગેરકાયદે પ્રોપેન ગેસનું કટિંગ કરતા હોય જે બાતમીને આધારે એલસીબી ટીમે દરોડો પાડ્યો હતો અને સ્થળ પરથી રાત્રીના સમયે હાઇવે પર ગેસના ટેન્કરોના ડ્રાઈવરોનો સંપર્ક કરી ડ્રાઈવરો સાથે મેળાપીપણું કરીને ગેસ ભરેલ ટેન્કરમાંથી ગેસનું કટીંગ કરી ગેસનો જથ્થો ગેસના સીલેન્ડરમાં ગેરકાયદેસર ભરી તે કાળાબજારમાં વેચવાની પ્રવૃતિ કરતા જીજ્ઞેશ ઉર્ફે લાલો મેરામભાઇ લોખીલ, પ્રદિપ ઉર્ફે લાલો મુળુભાઇ અવાડીયા તથા રામસીંગ વિજયસીંગ રાઠોડને ઝડપી લીધા હતા. પોલીસે રૂ. 26,12,424 ની કિંમતનું ટેન્કર, રૂ. 56,000 ની કિંમતના 28 નંગ ગેસ સિલિન્ડર, રૂ. 3 લાખની કિંમતની બોલેરો ગાડી, ઇલેક્ટ્રિક વજન કાટો, રબ્બરની નળી અને મોબાઈલ ફોન મળી કુલ રૂ. 29,85,424 નો મુદામાલ જપ્ત કરી તમામ આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાવીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.