ઉમેદવારોને નામનો ઉપયોગ નહીં કરવા પણ જણાવાયું
ટ્રસ્ટી રાજકારણમાં પ્રવેશે તો રાજીનામાંનો નિયમ જારી રખાયો
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
સૌરાષ્ટ્રની અરધોઅરધ બેઠકો ઉપર પાટીદાર મતદારોના વર્ચસ્વના પગલે તમામ પક્ષના નેતાઓ પોતાને ખોડલધામ ટ્રસ્ટનું (પણ) સમર્થન છે તેવો દેખાવ કે પરોક્ષ દાવાઓ ચૂંટણી પૂર્વે કરતા રહ્યા છે. હાલ ચૂંટણીનો રંગ જામ્યો છે અને રાજકોટ સાઉથમાં ખોડલધામના અગ્રીમ હરોળના ટ્રસ્ટીએ ભાજપની ટિકીટ પર ઉમેદવારી કરી છે ત્યારે ખોડલધામના સૂત્રોએ આજે સ્પષ્ટ કર્યું હતું કે ખોડલધામ સંસ્થા કે નરેશ પટેલ કોઈ પણ ઉમેદવાર કે પક્ષનો પ્રચાર કરતા નથી, કરવાના નથી. ભાજપના ઉમેદવાર બનેલા ટ્રસ્ટી રમેશ ટીલાળાએ પણ ખોડલધામમાંથી રાજીનામુ આપ્યું છે.
ખોડલધામના સૂત્રો અનુસાર ખોડલધામ બીનરાજકીય ટ્રસ્ટ છે અને નિયમોનુસાર રમેશભાઈએ ભાજપમાં જોડાઈને ચૂંટણી જંગમાં ઝુકાવ્યું છે ત્યા્રે તેમણે રાજીનામુ આપ્યું છે. નરેશભાઈ કે ખોડલધામ ટ્રસ્ટ તેમના સહિત કોઈનો પણ પ્રચાર કરવાના નથી. કોઈ પણ પક્ષના પાટીદાર ઉમેદવાર કે ખોડલધામ સાથે જોડાયેલા હોય તેમને વ્યક્તિગત રીતે કોઈ ટેકો આપે તે અલગ વાત છે પરંતુ, ખોડલધામ ચેરમેને કોઈને ટેકો આપ્યો નથી કે કોઈનો વિરોધ કર્યો નથી.
ઉલ્લેખનીય છે કે ગત ચૂંટણીમાં ખોડલધામ, નરેશ પટેલનો ભાજપને ટેકો તેવી વાત ચૂંટણી પૂર્વે વહેતી કરાઈ હતી અને તેનું બાદમાં ખંડન કરાયું હતું. પાટીદાર સમાજ કે અન્ય સમાજના લોકોને આવી વાતોથી નહીં દોરાવવા પણ જણાવાયું હતું. નરેશ પટેલ તાજેતરમાં ટીલાળા સાથે વડાપ્રધાનને મળ્યા હતા અને પોણો કલાક ચર્ચા કરી હતી જે અન્વયે એવી અફવા અને ચર્ચા વહેતી થઈ કે ખોડલધામના ટ્રસ્ટીઓએ ભાજપ સાથે ગઠબંધન કર્યું પરંતુ, આ વાતનો ભારપૂર્વક ઈન્કાર કરાયો છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ સાઉથ બેઠક પર ભાજપ, આપ અને કોંગ્રેસ ત્રણેયના ઉમેદવારો ખોડલધામ સાથે જોડાયેલા લેઉઆ પાટીદાર સમાજથી આવે છે અને આવું અનેક બેઠકો પર છે ત્યારે ખોડલધામે તટસ્થ રહેવાનું વલણ સ્પષ્ટ કર્યું છે.