650 ટનથી વધુનો બિનવારસુ જથ્થો મળી આવતા ખનીજ માફિયામાં ફફડાટ
ખાસ-ખબર સંવાદદાતા
વેરાવળ તાલુકાના મીઠાપુરની સીમ શાળાની પાછળના ભાગે સરકારી જમીન પર ગેરકાયદેસર દરિયાઈ રેતીનો મોટો જથ્થો મળી આવતા તંત્ર દોડતું થયું હતું. બિનવારસુ હાલતમાં આ જથ્થો સરકારી જગ્યાએ મળી આવતા અનેક સવાલો ઉભા થયા છે.
આ અંગેની વધુ પ્રાપ્ત વિગતો અનુસાર વેરાવળના પ્રભાસ પાટણ સીમના મીઠાપુર સીમ શાળાની પાછળની સરકારી જમીનમાં પ્રતિબંધિત દરિયાઈ રેતીની ખનીજ ચોરીના કૌભાંડનો પર્દાફાશ ખાણ ખનીજ વિભાગ દ્વારા કરી 650 ટનથી વધુ પ્રતિબંધિત દરિયાઈ રેતીનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે.
ત્યારે આટલો મોટો જથ્થો મળી આવતા પ્રતિબંધિત દરિયાઈ રેતીનો કાળો કારોબાર ચાલતો હશે કે કેમ ઉપરાંત દરિયાઈ રેતીની ખનીજ ચોરી કોના દ્વારા કરાઈ તેમજ કોણ આ ગેરકાયદેસર વેપલો ચલાવી રહ્યું છે તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.તો બીજી તરફ સરકારી જગ્યામાં જ આટલો મોટો ગેરકાયદેસર રેતીનો જથ્થો સ્ટોક થયો છતાં તંત્ર અજાણ કેમ તે બાબતે પણ અનેક સવાલો ઉભા થાય છે.ત્યારે તંત્ર આખ આડા કાન કરી રહ્યું હતુ કે તંત્રની કોઈ મીલીભગત છે અથવા તો તંત્ર કઈ રીતે અજાણ હતું તે હવે આગવી તપાસમાં જ ખબર પડી શકે તેમ છે.જો કે હાલ તો ખાણ ખનિજ વિભાગ દ્વારા વઘુ તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા
મળ્યું છે.