ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.12
સરકાર પાસેથી સબસિડી પર જમીન લઈને બનતી પ્રાઈવેટ હોસ્પિટલો પર સુપ્રીમ કોર્ટે કડક ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ‘અનેક લોકો સબસિડી પર જમીન લઈને હોસ્પિટલો તો બનાવી લે છે પરંતુ ગરીબો માટે બેડ રિઝર્વ રાખવાના વચનનો અમલ નથી થતો. આ તમામ પ્રાઈવેટ હોસ્પિટલો જ્યારે સબસિડી પર જમીન લે છે ત્યારે કહે છે કે, અમે 25% બેડ ગરીબો માટે રિઝર્વ રાખીશું પરંતુ આવું ક્યારેય નથી બનતું. આવું અમે અનેક વખત જોયું છે.’ જસ્ટિસ સુધાંશુ ધુલિયા અને જસ્ટિસ પ્રસન્ના બી. વારાલેએ આંખના રોગોની સારવાર માટે સમગ્ર દેશમાં એક સમાન દરના નિર્ણયને પડકારતી અરજીની સુનાવણીમાં આ વાત કરી હતી.
- Advertisement -
ફી માં દરેક સ્થળે એકરૂપતા યોગ્ય નથી
સરકારે આંખના રોગોની સારવાર માટે સમગ્ર દેશમાં એક સમાન દર નક્કી કરવાનો નિર્ણય લીધો છે. આ અંગે ઑલ ઈન્ડિયા ઓપ્થેલ્મોલોજિકલ સોસાયટી દ્વારા કોર્ટમાં અરજી દાખલ કરાઈ છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, ‘મેડિકલ સ્પેશિયાલિસ્ટ્સના રેટ એક સમાન ન હોઈ શકે. મેટ્રો સિટી અને દૂરના ગામડાંમાં એક જ દર કેવી રીતે હોઈ શકે?’ બીજી તરફ, સિનિયર એડવોકેટ મુકુલ રોહતગી અને એડવોકેટ બી. વિજયલક્ષ્મીએ પણ સોસાયટીના પક્ષમાં કહ્યું છે કે, સરકારનો આ નિર્ણય યોગ્ય નથી. ફી માં દરેક સ્થળે એકરૂપતા યોગ્ય નથી. હવે સુપ્રીમ કોર્ટે આ મામલે કેન્દ્ર સરકારનો અભિપ્રાય લેવા માટે નોટિસ જારી કરી છે. આ કેસની આગામી સુનાવણી 17 એપ્રિલે થશે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, ‘તમે કેવી રીતે આ પોલિસીને પડકારી શકો? ઉદાહરણ તરીકે ઉત્તર-પૂર્વમાં આરોગ્ય સેવાના દર ઓછા છે અને જો આ નિયમ નાબુદ કરાશે તો તેના પર અસર થશે. દેશમાં પ્રાઈવેટ હોસ્પિટલોની મોંઘી ફી અને સેવા અંગે અગાઉ પણ લોકો ચિંતા વ્યક્ત કરતા રહ્યા છે.’ આ સ્થિતિમાં સુપ્રીમ કોર્ટની આ ટિપ્પણી મહત્ત્વની તેમજ મોંઘી આરોગ્ય સેવાને અરીસો બતાવવા સમાન છે.