વડાપ્રધાનના આગમનને લઈ વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સની તારીખમાં ફેરફાર
રાજકોટમાં હવે તા.10,11 અને 12 જાન્યુઆરીએ કચ્છ-સૌરાષ્ટ્ર રીજનલ કોન્ફરન્સ યોજાશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
વાઇબ્રન્ટ ગુજરાત સમિટ અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં ચાર ઝોનમાં વાઇબ્રન્ટ રીજનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મહેસાણા ખાતે નોર્થ ઝોન રીજનલ આયોજન બાદ આગામી 9 જાન્યુઆરીએ રાજકોટ ખાતે કચ્છ-સૌરાષ્ટ્ર ઝોન રીજનલ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું. જોકે, અચાનક જ રાજકોટ ખાતે વડાપ્રધાન મોદીના હસ્તે રીજનલ કોન્ફરન્સનું ઓપનિંગ થાય તેવા સંકેતો વચ્ચે કોન્ફરન્સની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે રાજકોટ ખાતે તા.10, 11 અને 12 જાન્યુઆરીએ રીજનલ કોન્ફરન્સનું આયોજન થશે.
મહેસાણા ખાતે નોર્થ ઝોન વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સના આયોજન બાદ રાજકોટ ખાતે આગામી તા.8થી 9 જાન્યુઆરીએ કચ્છ-સૌરાષ્ટ્ર રીજનલ વાઇબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સના આયોજનને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જે અન્વયે રાજ્યના ઈન્ડસ્ટ્રીઝ અને માઈન્સ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી મમતા વર્મા રાજકોટ દોડી આવ્યા હતા અને આયોજન સ્થળ મારવાડી યુનિવર્સિટી ખાતે સૌરાષ્ટ્રના ઉદ્યોગ સંગઠનોના પ્રતિનિધિમંડળ સાથે બેઠક પણ યોજી હતી. બીજી તરફ ઈન્ડસ્ટ્રીઝ અને માઇન્સ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી મમતા વર્માની મુલાકાત બાદ અચાનક જ કચ્છ-સૌરાષ્ટ્ર રીજનલ વાઇબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો હોય હવે તા.8 અને 9 જાન્યુઆરીને બદલે તા.10, 11 અને 12 જાન્યુઆરીએ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવશે તેમ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે. દરમિયાન કચ્છ-સૌરાષ્ટ્ર રીજનલ વાઈબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સની તારીખમાં ફેરફાર પાછળનું મુખ્ય કારણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન મનાઈ રહ્ય્ં છે.
ટોચના અધિકારીઓના જણાવ્યા મુજબ વડાપ્રધાન મોદીના હસ્તે કચ્છ-સૌરાષ્ટ્ર રીજનલ વાઈબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સનું ઓપનિંગ કરવામાં આવશે. આ તકે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ તેમજ અદાણી ઇન્ડસ્ટ્રીઝના દિગ્ગજ ઉદ્યોગકારો પણ હાજરી આપે તેવી શક્યતા જોવાઈ રહી છે. રાજકોટ ખાતે વાઈબ્રન્ટ કોન્ફરન્સની સાથે સાથે તા.10 જાન્યુઆરીથી 13 જાન્યુઆરી સુધી એક્ઝિબિશન પણ યોજાશે જેમાં પણ મોટા ઉદ્યોગ સમૂહો ભાગ લેનાર હોવાનું જાણવા મળે છે. દરમિયાન વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સની તારીખમાં બદલાવ બાદ મંગળવારે અચાનક જ રાજકોટ જિલ્લા કલેક્ટર પણ ગાંધીનગર દોડી ગયા હોવાનું જાણવા મળે છે.
સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં યોજાશે પૂર્વ તૈયારીની બેઠક
- Advertisement -
રાજ્ય સરકાર સૌરાષ્ટ્રમાં તમામ જિલ્લામાં ઉદ્યોગકારો સાથે મહત્વપૂર્ણ બેઠક યોજશે જેમાં તા.13 ડિસેમ્બરે જામનગરમાં કેશવ અરજણ પટેલ સમાજ ખાતે, તા.15 ડિસેમ્બરે વેરાવળમાં ગીર સોમનાથ જિલ્લાની બેઠક આસોપાલવ લોન્સ ખાતે તા.18 ડિસેમ્બરે મોરબીના કેશવ બેન્કવેટ હોલ ખાતે, તા.19 ડિસેમ્બરે ભાવનગરના ઇસ્કોન ક્લબ રિસોર્ટ, મહાદેવ હોટેલ બોટાદ, દ્વારકા માટે હોટેલ સ્વસ્તિક ઈન ખંભાળિયા, તાજાવાલા હોલ પોરબંદર, પંડિત દીનદયાળ હોલ સુરેન્દ્રનગર તેમજ જૂનાગઢ ખાતે ફર્ન લિયો રિસોર્ટ, 26 ડિસેમ્બરે અમરેલી અને તા.2 જાન્યુઆરીએ ગાંધીધામ ખાતે કચ્છ જિલ્લા માટે પૂર્વ તૈયારી અંગેની બેઠક યોજાશે.
13થી વધુ વિષય અંગે સેમિનાર યોજાશે
રાજકોટ ખાતે યોજાનાર વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સમાં સિરામિક્સ, એન્જિનિયરિંગ, પોર્ટ્સ અને લોજિસ્ટિક્સ, ફિશરીઝ, પેટ્રોકેમિકલ્સ, એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ, મિનરલ્સ, ગ્રીન એનર્જી, સ્કિલ ડેવલપમેન્ટ, સ્ટાર્ટઅપ્સ, એમએસએમઈ, ટૂરિઝમ અને કલ્ચર જેવા વિવિધ વિષયોને લઇ 13થી વધુ સેમિનાર અને વર્કશોપ યોજવામાં આવશે જેમાં જે તે વિષયના તજજ્ઞો માર્ગદર્શન આપશે.
ઉદ્યમી મેળો, એક્ઝિબિશન સહિતના આયોજન
તા.10થી 12 જાન્યુઆરી દરમિયાન રાજકોટ ખાતે યોજાનાર વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સમાં ઇ2ઇ અને ઇ2ૠ મિટિંગ્સ વેન્ડર ડેવલપમેન્ટ પ્રોગ્રામ રિવર્સ બાયર-સેલર મટ અને ઉદ્યમી મેળોનું આયોજન થશે. સાથે જ એમએસએમઈ ઉદ્યોગકારોને એવોર્ડ્સથી સન્માનિત કરાશે. આ ઉપરાંત એક્ઝિબિશન પણ યોજવામાં આવશે.



