ખાસ-ખબર સંવાદદાતા
કર્ણાટક હાઈકોર્ટે મહત્ત્વનો નિર્ણય સંભળાવતા કહ્યું કે, લડાઈ ઝઘડા દરમિયાન કોઈ વ્યક્તિના અંડકોષને દબાવવા બાબતને હત્યાનો પ્રયાસ ના કહી શકાય. જણાવી દઈએ કે ટ્રાયલ કોર્ટે એક એવી ઘટના માટે 38 વર્ષીય વ્યક્તિને ગંભીર ઈજા પહોંચાડવા માટે દોષી ઠેરાવ્યા હતા. હાઈકોર્ટે આરોપીની સાત વર્ષની સજા ઘટાડીને 3 વર્ષની કરી દીધી છે. હાઈકોર્ટે દલીલ આપી હતી કે, આરોપીનો પીડિતની હત્યા કરવાનો કોઈ જાતનો ઈરાદો નહોતો. આ ઈજા ઝઘડા દરમિયાન થઈ હતી.
અદાલતે નોંધ્યું કે, આરોપી અને ફરિયાદકર્તાની વચ્ચે કોઈ કારણોસર ઝઘડો થયો. આ ઝઘડા દરમિયાન આરોપીએ અંડકોષ દબાવવાનો વિકલ્પ પસંદ કર્યો. એટલા માટે એવું ન કહી શકાય કે આરોપી હત્યા કરવાના ઈરાદાથી અથવા તો તૈયારી સાથે આવ્યો હતો. જો તે એવું કરતો હોત, અથવા તો એણે હત્યાની તૈયારી કરી હોત અથવા હત્યા કરવાનો પ્રયાસ કર્યો હોત તો તે હત્યા કરવા માટે પોતાની સાથે કંઈક ઘાતક હથિયાર લાવી શકતો હતો. હાઈકોર્ટે કહ્યું કે, આરોપીએ પીડિતાને ગંભીર ઈજા પહોંચાડી છે. જો કે ઈજાને કારણે પીડિતનું મોત થઈ શકે છે, પરંતુ આરોપીનો એવો ઈરાદો નહોતો.
- Advertisement -
પીડિતા ઓમકારપ્પાની ફરિયાદ મુજબ, તે અને ગામના બીજા લોકો મેળામાં ગયા હતા. આ દરમિયાન ‘નરસિંહસ્વામી’ના જુલૂસની સામે ડાન્સ કરી રહ્યા હતા, ત્યારે આરોપી પરમેશ્વરપ્પા મોટરસાઇકલ પર ત્યાં આવ્યો અને ઝઘડો કરવા લાગ્યો. તે પછી થયેલી લડાઈ દરમિયાન પરમેશ્વરપ્પાએ ઓમકારપ્પાના અંડકોષ દબાવી દીધા હતા. જેનાથી તેને ગંભીર ઈજા પહોંચી. પોલીસ તપાસ અને ટ્રાયલ પછી પરમેશ્વરપ્પાને દોષિત ઠેરવવામાં આવ્યો અને સજા સંભળાવી હતી. ચિક્કમગાલુરુ જિલ્લાના કદુરના મુગલિકટ્ટેના રહેવાસી પરમેશ્વરપ્પાએ ચિક્કામગાલુરુ ટ્રાયલ કોર્ટ દ્વારા આપવામાં આવેલી સજાને પડકારતી અપીલ સાથે હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા.