આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, રાશન કાર્ડ, પાન કાર્ડ કરતા પણ વધતું જતું પ્રેસ કાર્ડનું મહત્વ
પ્રેસ કાર્ડ પત્રકારના ઓળખપત્રથી વિશેષ કશું જ નથી
– ભવ્ય રાવલ
એક સમયે ગુજરાતમાં ગ્રીન કાર્ડનો જબરો ક્રેઝ હતો, ગ્રીન કાર્ડ ધરાવતો ગુજરાતી કોલર ઊંચા રાખી ફરતો હતો. આજના સમયમાં ગુજરાતમાં પ્રેસ કાર્ડનો ગાંડો ક્રેઝ છે, પ્રેસ કાર્ડ ધરાવતો ગુજરાતી જમીનથી બે ફૂટ ઊંચે હવામાં ઉડતો હોય છે. હમણાં હમણાંથી ગુજરાતીઓમાં પ્રેસ કાર્ડ મેળવી પત્રકાર બનવાનો – કહેડાવવાનો ભડભડીયો જાગ્યો છે. કેટલાંક ડાબેરીઓને રવીશ કુમાર અને કેટલાંક જમણેરીઓને અર્નબ ગોસ્વામી જેવા પત્રકાર બની પોતપોતાની વિચારધારાની લડાઈ લડવી છે તે માટે નહીં પરંતુ પત્રકારના નામે અંગત ફાયદાઓ મેળવવા છે એટલે ગેરકાયદે પ્રેસ કાર્ડ મેળવી પત્રકાર કહેડાવવું છે. ગુજરાતમાં ગળામાં પ્રેસ કાર્ડ લટકાવી ફરતા અને મોટામોટા લાલ અક્ષરે વાહનોમાં આગળપાછળ ‘PRESS’ લખાવી ટ્રાફિક નિયમો તોડનારાઓની અછત નથી. પ્રેસ કાર્ડ મેળવી લીધેલાઓ અને મેળવવા માંગતાઓ તમામે યાદ રાખવું જોઈએ – પ્રેસ કાર્ડ એ પીળો પરવાનો નથી. પ્રેસ કાર્ડ એટલે પત્રકારને આપવામાં આવતું એક ઓળખપત્ર.
દિન દુગની – રાત ચૌગની પ્રિન્ટ અને ઈલેટ્રોનિક મીડિયાની વધતી જતી સંખ્યાને કારણે પત્રકારત્વની દુનિયામાં કેટલાક એવા લોકોએ પણ પ્રવેશ કર્યો છે જેનાથી પત્રકારત્વ પર પ્રશ્નાર્થચિન્હ મૂકાવવાના શરૂ થઈ થયા છે. પત્રકારો પર સવાલ યા નિશાન થઈ રહ્યા છે. આજકાલ તો પંચરવાળાથી લઈ પાનવાળા સુધી લગભગ બધા પોતાને પત્રકાર કહેડાવવા લાગ્યા છે અને પ્રેસ કાર્ડ પણ ધરાવતા થઈ ગયા છે. ગુજરાતમાં દર પાંચમો-દસમો વ્યક્તિ પ્રેસ કાર્ડ ધરાવતો પાર્ટટાઈમ પત્રકાર છે! પ્રેસ કાર્ડ મેળવી પત્રકાર બનવા રીતસર કાળાબજારી થઈ રહી છે. આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, રાશન કાર્ડ, પાન કાર્ડ કરતા પણ પ્રેસ કાર્ડનું મહત્વ વધી રહ્યું છે ત્યારે પ્રેસ કાર્ડ અંગે કેટલીક પ્રાથમિક સમજ મેળવી લેવી આવશ્યક છે. પ્રેસ કાર્ડ બે પ્રકારના હોય છે. એક જે ખાનગી અખબારો, સામયિકો અને ન્યૂઝ ચેનલો દ્વારા આપવામાં આવે છે અને બીજા જે સરકારના માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા આપવામાં આવે છે. ખાનગી અખબારો પોતાની ફ્રન્ટલાઈન ટીમ એટલે કે ફિલ્ડ પર જઈને રિપોર્ટિંગ કરનારા રિપોર્ટર-ફોટોગ્રાફરને પ્રેસ કાર્ડ આપતા હોય છે જ્યારે ન્યૂઝ ચેનલો તેમની આખી ટીમને પ્રેસ કાર્ડ ઈશ્યુ કરે છે. જેમાં રિપોર્ટર ઉપરાંત કેમેરામેન, ઓબીવાન તેમજ લાઈટમેનનો સમાવેશ થાય છે.
- Advertisement -
ન્યૂઝ ચેનલમાં બેક ઓફિસ કર્મચારીઓને પણ પ્રેસ કાર્ડ મળે છે. અખબારોમાં બેક ઓફિસ કર્મચારીને પ્રેસ કાર્ડ મળતા નથી. અખબારોમાં ડેસ્ક પર કામ કરતા પત્રકારોને એટલા માટે પ્રેસ કાર્ડ આપવામાં આવે છે જેથી મોડી રાત્રે કે બંધ દરમિયાન તેમને અવરજવરમાં કોઈ સમસ્યા ન સર્જાય. તે પ્રેસ કાર્ડ દ્વારા પોતાની ઓળખ આપી ઘરેથી ઓફિસ અને ઓફિસથી ઘરે આસાનીથી આવીજઈ શકે. આજ રીતે સરકારી પ્રેસ કાર્ડ સરકારી સમાચાર સંસ્થાના પત્રકારોને સરકારના માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા ઈશ્યુ કરવામાં આવે છે. આ સિવાય માહિતી ખાતુ સરકારી ચોપડે નોંધાયેલા ખાનગી અખબારો – સામયિકો કે ન્યૂઝ ચેનલોના ચૂનંદા પત્રકારોને ગવર્મેન્ટ એક્રેડિટેશન કાર્ડ આપે છે.
પ્રેસ કાર્ડ માત્ર કેન્દ્રીય માહિતી અને પ્રસારણ વિભાગ તથા સમાચાર એજન્સીઓ દ્વારા જાહેર કરાયેલા સરકારી ચોપડે નોંધાયેલા અખબારો, સામયિકો અને ન્યૂઝ ચેનલો જ પોતાના પત્રકારોને ઈશ્યુ કરી શકે છે. RNI નંબર વિનાના અખબારો, સામયિકો અને ન્યૂઝ ચેનલો પ્રેસ કાર્ડ આપી શકે નહીં.
પત્રકાર પાસે પ્રેસ કાર્ડ હોવાથી કોઈ વિશેષાધિકાર પ્રાપ્ત નથી થઈ જતા…
અસલી-નકલી પત્રકારોને પારખી શકાતા નથી જેનો ફાયદો નકલી પત્રકારો ઉઠવતા રહે છે, ગામેગામ પૈસા લઈને પ્રેસ કાર્ડ ઈશ્યુ કરનારાઓ પાસેથી પ્રેસ કાર્ડ મેળવી બની બેઠેલા બનાવટી પત્રકારો પોલીસ અને પ્રશાસન પર રોફ જમાવે છે, ટોલનાકે ટોલટેક્સ ન ભરવા ધમાલ કરે છે.
- Advertisement -
પ્રેસ કાર્ડ ઈશ્યુ કરવાના નિયમની જેમ તેનો ઉપયોગ પણ સ્પષ્ટ છે. પત્રકારને સમાચાર એકત્ર કરવામાં કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે, સરળતાથી પોતાની ઓળખ આપી ઝડપથી સમાચાર મેળવી શકે, પ્રિન્ટ કે ડિજીટલ મીડિયાના પ્રતિનિધિ તરીકે સરકારી-ખાનગી કચેરીઓમાં કે કાર્યક્રમોમાં પ્રવેશ કરવા મળે કે પછી કોઈ અધિકારીઓ, રાજકારણીઓ, સિતારાઓ સાથે મુલાકાત કરીને માહિતી મેળવવી હોય, કટોકટીના સમયે સ્થળ પર જઈ આંખો દેખ્યો અહેવાલ પ્રસિદ્ધ કરવો હોય, પ્રશ્નો – પૂછપરછ અને ફોટો – વીડિયો લેવાકરવા હોય વગેરે માટે પ્રેસ કાર્ડ ઉપયોગી સાબિત થાય છે. આથી વિશેષ પ્રેસ કાર્ડનો ઉપયોગ હોતો નથી અને કરી પણ શકાય નહીં. આમ છતાં પ્રેસ કાર્ડનો યોગ્ય ઉપયોગ કરવાની જગ્યાએ ખોટી રીતે ઉપયોગ કરનારો વર્ગ મોટો છે. કોરોનાકાળમાં પ્રેસ કાર્ડનો સૌથી વધુ દુરુપયોગ થયો હતો. આ સિવાય યલ્લો જર્નાલિઝમ કરવામાં પ્રેસ કાર્ડનો સૌથી વધુ દુરુપયોગ થઈ રહ્યો છે. પ્રેસ કાર્ડનો દુરુપયોગ વધવાના અઢળક કારણો છે.
અખબાર, સામયિકની નોંધણી પછી પ્રકાશકો અને સંપાદકો એક કે બે અંક પ્રકાશિત કરે છે અને અસંખ્ય લોકોને પ્રેસ કાર્ડ આપે છે, જેનો પત્રકારત્વ સાથે કોઈ નાહવા-નીચવવાનો સંબંધ નથી એવા લોકોને પ્રેસ કાર્ડ મળવાથી પત્રકારત્વ પર આંગળીઓ ઉઠે છે. અસલી-નકલી પત્રકારોને પારખી શકાતા નથી જેનો ફાયદો નકલી પત્રકારો ઉઠવતા રહે છે. ગામેગામ પૈસા લઈને પ્રેસ કાર્ડ ઈશ્યુ કરનારાઓ પાસેથી પ્રેસ કાર્ડ મેળવી બની બેઠેલા બનાવટી પત્રકારો પોલીસ અને પ્રશાસન પર રોફ જમાવે છે. ટોલનાકે ટોલટેક્સ ન ભરવા ધમાલ કરે છે. ઉદ્યોગ આધારમાં સમાચાર સંસ્થાની નોંધણી કરીને છેતરપિંડી કરનારાઓ ન્યૂઝ વેબસાઈટ, ન્યૂઝ એપ્લીકેશન, ન્યૂઝ યુટ્યુબ ચેનલ બનાવીને પોતાને સ્વ-ઘોષિત મીડિયા સંસ્થાઓ હોવાનો દાવો કરે છે, અયોગ્ય લોકોને નકલી પત્રકાર બનાવે છે, ભોળા લોકોને પત્રકાર બનાવી દેવાના નામે પૈસાની ઉચાપત કરે છે. આટલું ઓછુ હોય તેમ હવે તો કેટલાંક ગુંડાઓ પ્રેસ કાર્ડ મેળવી દારૂની ભઠ્ઠીઓ, જુગારની ક્લબો, રેડલાઈટ એરિયાઓ, સ્પા પાર્લરો, કપલ કેબિનો, હોટેલો, રેસ્ટોરાંઓમાં જઈ ગેરકાયદે થતા કૃત્યોનું સ્ટિંગઓપરેશન કરી ગુનેગારોને બ્લેકમેઈલ કરે છે અને હજારો રૂપિયાના હપ્તા બાંધી આવે છે, લાખો રૂપિયાનો તોડ કરી આવે છે!
ગુજરાતનો મહત્તમ વર્ગ પત્રકાર બનવાની ઈચ્છા ધરાવે છે. આ ઈચ્છાનો ગેરફાયદો ઉઠાવવામાં આવી રહ્યો છે. લેભાગુઓ ઘણીવખત પ્રેસ કાર્ડના ખોટા ફાયદાઓ જણાવીને મોટી રકમ પડાવી લે છે અને બદલામાં નકલી પ્રેસ કાર્ડ પધરાવી દે છે. હકીકતમાં પ્રેસ કાર્ડના કોઈ જ ફાયદાઓ નથી, મફત અને રાહતદરે મુસાફરી માટે DIPR અને PIB તરફથી માન્યતા જરૂરી છે. રેલ્વે અને બસ મુસાફરીમાં પ્રેસ કાર્ડ હોય તો લાભ મળે છે પણ એ પ્રેસ કાર્ડ રાજ્ય સરકારની માહિતી અને જનસંપર્ક વિભાગ અને કેન્દ્ર સરકારના પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો દ્વારા કેન્દ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત હોવું જોઈએ. રાજ્યના રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન અને રેલ્વે અલગ-અલગ કાર્ડ બહાર પાડે છે. આ પછી જ વ્યક્તિને રાહત ભાડા પર ટ્રેનમાં અને રાજ્ય સરકારની બસોમાં મફત મુસાફરી કરવાની તક મળે છે. આવું જ સર્કીટહાઉસમાં હોય છે. સરકારી ગેસ્ટહાઉસમાં રહેવા-જમવા માટે સરકાર દ્વારા આપવામાં આવેલું પ્રેસ કાર્ડ મતલબ કે એક્રેડિટેશન કાર્ડ જોઈએ. અને ટોલનાકા પર તો ક્યારેય કોઈપણ કાર્ડ ચાલતું નથી, પત્રકારને ટોલટેક્સ ભરવો જ પડે છે.
નકલી પત્રકારો અને બોગસ પ્રેસ કાર્ડના વધતા દુષણો ડામવા માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશભરના પત્રકારો માટે પ્રેસ કાર્ડ આપવાથી લઈને તેના મેળવવા માટે રજીસ્ટ્રેશન અને શૈક્ષણિક લાયકાત સુધીના નિયમોનો અમલ થવો જોઈએ. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલય અખબાર, સામાયિક કે ન્યૂઝ ચેલનના રજીસ્ટ્રેશન માટે અરજદારની પત્રકારત્વમાં શૈક્ષણિક લાયકાતની ડિગ્રીની શરત ફરજિયાત બનાવવી જોઈએ. ઉપરાંત દૈનિક અખબાર, ન્યૂઝ ચેનલ, સમાચાર એજન્સીઓએ કોઈપણ વિસ્તારમાંથી તેમના પ્રતિનિધિની નિમણૂક કરવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટને અરજી કરવી પડે, જે જિલ્લા માહિતી અને સંપર્ક અધિકારીની મંજૂરી બાદ મંજૂરી આપે ત્યારબાદ જ જે-તે પત્રકારને પ્રેસ કાર્ડ ઈશ્યુ થવું જોઈએ. સરકારી કે ખાનગી અખબાર, સામયિક કે ન્યૂઝ ચેનલના પત્રકારનું પ્રેસ કાર્ડ સરકારી તંત્ર દ્વારા આપવામાં આવ્યું હોય તો જ માન્ય હોવું જોઈએ એવો નિયમ જરૂરી છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર જ પ્રિન્ટ અને ડિજીટલ મીડિયાના જર્નાલિસ્ટનું રજીસ્ટ્રેશન કરે તો પ્રેસ કાર્ડ લઈ ફરતા પંચાણું ટકા પત્તરકારો ખોટી પત્તર ફાડતા બંધ થાય.
વધારો : જો ખરેખર પત્રકાર બનવું જ છે, કાયદેસરનું પ્રેસ કાર્ડ મેળવવું જ છે તો સૌપ્રથમ પત્રકારત્વનો અભ્યાસ કરો અને BJMC – MJMC કોર્સની ડિગ્રી મેળવ્યા પછી RNI રજીસ્ટ્રેશન અખબાર, સામયિક અથવા ન્યૂઝ ચેનલમાં જોડાઓ. અને હા, પત્રકારના આદર્શ – સિદ્ધાંત કે મૂડ – મિજાજ પ્રેસ કાર્ડના મોહતાજ હોતા નથી. જ્યાં સુધી પ્રેસ કાર્ડની નોંધણી, નિયમ, અધિકાર, ફાયદા, સુવિધાની વાત છે તો પ્રેસ કાર્ડ ધરાવતા પત્રકારના અધિકાર સામે ફરજ સો ગણી છે. પત્રકારને પ્રેસ કાર્ડથી કોઈ જ વિશેષાધિકાર મળી જતા નથી. પ્રેસ કાર્ડ પત્રકારના ઓળખપત્રથી વિશેષ કશું જ નથી. પ્રેસ કાર્ડ હોય તો આમ થશે તેમ થશે એવી અફવાઓ ફેલાવી નકલી પ્રેસ કાર્ડ વેંચાણ-ખરીદના ગોરખધંધા શરૂ કરવામાં આવ્યા છે. પ્રેસ કાર્ડને ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ, રાશન કાર્ડ, પાન કાર્ડથી પણ મોટું કાર્ડ માનનારો વર્ગ મૂર્ખ છે. પત્રકારના હાથમાં હથિયાર તરીકે પ્રેસ કાર્ડ નહીં, પત્રકારના હાથમાં હથિયાર તરીકે પોતાની કલમ – કિબોર્ડ – કેમરો હોય છે.