ઈમિગ્રેશન વિભાગે ગેરકાયદે વસવાટ કરનારાનું લિસ્ટ જારી કર્યું: પંજાબ તથા આંધ્રપ્રદેશના લોકો હોવાનો પણ નિર્દેશ: દેશનિકાલ પ્રક્રિયામાં ભારત સહકાર આપતુ ન હોવાનો દાવો
અમેરિકામાં નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આવતા મહિને પદગ્રહણ કરનાર છે. ગેરકાયદે ઘુસેલાઓને અમેરીકામાંથી હાંકી કાઢવાનુ જાહેર કર્યું છે. અને અમેરીકી ઈમીગ્રેશન વિભાગે અત્યારથી જ લીસ્ટ બનાવવા માંડયુ છે. જયારે પ્રથમ લીસ્ટમાં ગુજરાતીઓ સહીત 18000 ની યાદી તૈયાર થઈ છે.આ ભારતીયોએ બિસ્તરા પોટલા બાંધવાનું પણ શરૂ કરી દીધુ છે.
- Advertisement -
અમેરિકી ઈમીગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટ દ્વારા 17940 ભારતીયોનું લીસ્ટ જારી કર્યું છે. ગેરકાયદે વસવાટ કરતાં 14.45 લાખ લોકો પૈકીનાં આ લીસ્ટમાં મોટાભાગના ગુજરાતી તથા પંજાબ અને આંધ્રપ્રદેશનાં લોકો છે. આ પૈકીનાં અનેક સામે કેસ છે અને સુનાવણી છે. ત્રણ વર્ષ દરમ્યાન નિર્ધારીત થયેલી છે. છેલ્લા ત્રણ વર્ષથી અમેરિકામાં ઘુસવાનો પ્રયાસ કરતાં 90,000 ભારતીયો પકડાયા હોવાનું ઉલ્લેખનીય છે.
નિષ્ણાંતોના કહેવા પ્રમાણે અમેરીકામાં ગેરકાયદે વસવાટ કરતાં ભારતીયોમાં ગુજરાતી, પંજાબી અને આંધ્રપ્રદેશનાં લોકોની સંખ્યા વધુ છે. ઈમીગ્રેશન વિભાગનાં રીપોર્ટ પ્રમાણે મધ્ય અમેરીકાનાં હોન્ડુરાસમાં 2.61 લાખ ગેરકાયદે વસાહતી ઓળખાયા છે જયારે બીજા ક્રમે ઓટેમાલાનાં 2.53 ગેરકાયદે વસાહતી છે. અમેરિકામાં ગેરકાયદે વસવાટ કરતાં 37908 લોકો ચીનનાં છે. ભારતનો ગેરકાયદે વસાહતીઓમાં 13 મો ક્રમ છે. ભારત-ચીનને બાદ કરતાં ટોપ-15 દેશો અમેરિકાની જ આજુબાજુનાં છે. મહત્વની વાત એ છે કે રીપોર્ટમાં સમગ્ર પ્રક્રિયામાં ભારત તરફથી યોગ્ય સહકાર મળતો ન હોવાનું જણાવવામાં આવ્યું છે.
ભારતીય તંત્ર તરફથી યોગ્ય સંકલન થતુ ન હોવાથી દેશનિકાલ પ્રક્રિયામાં વિલંબ થઈ રહ્યો છે. આ પડકાર ઉકેલવા માટે રાજદ્વારી પગલા વિચારવામાં આવી રહ્યા છે. અમેરિકામાં ગેરકાયદે વસાહતીઓનાં મૂળ દેશો પોતાના નાગરીકોની ઓળખ કરે તેવી અમેરીકન પ્રક્રિયા છે.આવા નાગરીકોને પરત ફરવાની વ્યવસ્થા વિશે પણ રીપોર્ટમાં કહેવાયું છે. આ પ્રક્રિયામાં સંકલન-મદદ નહી કરતા દેશોને સહકાર ન આપતા રાષ્ટ્રોની યાદીમાં મુકવામાં આવે છે. હાલ ભુટાન, હોંગકોંગ, રશીયા,ચીન, પાકિસ્તાન સહીત 15 દેશોને આ યાદીમાં મુકાયા છે. નવનિયુકત પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગેરકાયદે વસાહતીઓને બહાર કાઢવાની કટીબદ્ધતા જાહેર કરી જ છે. ઈમીગ્રેશન નીતિ કડક બનાવીને કડક અમલ કરવાનુ જાહેર કર્યુ છે. દેશ નિકાલનાં આખરી ઓર્ડર થઈ ગયો હોય તેઓને તુર્તજ અમેરિકામાંથી બહાર કાઢશે.