ખાસ-ખબર ન્યૂઝ રાજુલા
રાજુલાના જુની માંડરડી સેવા સહકારી મંડળીના પ્રમુખ અને રાજુલા માર્કેટીંગ યાર્ડના ડાયરેકટર રમેશભાઇ વસોયા દ્વારા ખેડૂતો દ્વારા ખેતિના ઉપયોગમાં વપરાતા ટ્રેકટરના ટ્રેલર (ટ્રોલી) ના રી-પાસિંગ તેમજ ટેક્ષ માફી આપવા અને સમય મર્યાદા વધારવા માટેની માંગ સાથે ધારાસભ્ય હીરાભાઇ સોલંકીને પત્ર દ્વારા રજૂઆત કરવામાં આવી છે. પત્રમાં જણાવેલ કે, આપણો દેશ એ ખેતી પ્રધાન દેશ છે. અને આપણા ગુજરાત રાજયમાં પણ મોટા ભાગનાં ખેડુતો ખેતીનાં વ્યવસાય સાથે સંકળાયેલ છે. સરકાર દ્વારા ખેડુતોને મદદરૂપ થવા તેમજ નવા સાધનો વસાવવા માટે સબસીડી પણ આપવામાં આવે છે. જેમાં હવેથી સરકાર દ્વારા ટ્રેકટરનાં ટ્રેલર (ટ્રોલી) ની ખરીદી કરવા માટે પણ સબસીડીની જાહેરાત પણ કરવામાં આવેલ છે. અમારી જાણ મુજબ ઘણા સમયથી નવા ટ્રેકટરની ટ્રેલર (ટ્રોલી)નું છઝઘ માં રજીસ્ટ્રેશન થતું નથી. અને આ ટ્રેલરને બે વર્ષે રી-પાસીંગ કરવાનું હોય છે. જો ખેડુતો સમય મર્યાદામાં રી-પાર્સીંગ ન કરે, તો એક દિવસનું રૂ.50 રૂપીયા પેનલ્ટી લગાવવામાં આવે છે. ટ્રેકટરમાં સરકાર દ્વારા ટેક્ષ માફી આપવામાં આવેલ છે. અને પંદર વર્ષે રી-પાસીંગની સમય મર્યાદા છે.
- Advertisement -
તેમજ ટ્રેકટરનું ટ્રેલર (ટ્રોલી) એ દેશી ભાષામાં ખેડુતો માટે ગાડું ગણાય છે જેનો ઉપયોગ ખેડુતો દ્વારા ખેતીનાં પશુ પાલન માટે ઘાસચારો લઈ જવા અને લાવવા માટે તેમજ ખેતીમાં દેશી ખાતર ખેતરમાં નાખવા માટે તેમજ ખેતીમાં તૈયાર થયેલ ખેત જણસને માર્કેટીંગ યાર્ડ સુધી પહોંચાડવા ટ્રેકટરનાં ટ્રેલર (ટ્રોલી)નો ઉપયોગ કરે છે. અને ટ્રેકટરની ટેક્ષ માફી આપવામાં આવેલ છે તે પ્રમાણે ટ્રેકટરનાં ટ્રેલર (ટ્રોલી) માં પણ ટેક્ષ માફી આપવામાં આવે તેમજ જે રીતે ટ્રેકટરમાં 15 વર્ષની રી-પાસિંગની સમય મર્યાદા નક્કી કરી છે તે મુજબ ટ્રેકટરનાં ટ્રેલર (ટ્રોલી) ની રી-પાસિંગની સમય મર્યાદા 15 વર્ષની કરવામાં આવે તો ખેડુતોને ખુબજ આર્થીક ફાયદો થાય તેમ છે.