શહેરમાં ખોદેલા રસ્તાનો સર્વે, પોલીસ બંદોબસ્તની તૈયારી શરૂ
મનપાએ લાઈટીંગ, મંડપ, પાણી માટે 1.16 કરોડની મંજૂરી
- Advertisement -
પાંચ ઝોનમાં પોલીસ બંદોબસ્ત, CCTV મૂકાશે
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢના ભવનાથમાં શિવરાત્રિનાં મેળાને મંજૂરી મળતાં તમામ વિભાગ તડામાર તૈયારીમાં લાગી ગયા છે. હાલ શહેરમાં ખોદવામાં આવેલા રસ્તાનો સર્વે તથા પોલીસ બંદોબસ્તની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જૂનાગઢનાં ભવનાથમાં તારીખ 25 ફેબ્રુઆરીથી 1 માર્ચ સુધી શિવરાત્રિનો મેળો યોજાશે. મેળામાં દેશભરમાંથી સંતો મહંતો પધારતા હોય છે. મેળામાં શાહી સ્નાન અને રવાડીનું અનેરૂ મહત્ત્વ છે. મેળામાં લાખોની સંખ્યામાં ભાવિકો આવતા હોય છે. તેમની સુખાકારી માટે વહિવટી તંત્ર અને મનપા તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવે છે.
- Advertisement -
હવે મેળા આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે જૂનાગઢમાં ભૂગર્ભ ગટરના કારણે અનેક રોડ તોડી નાખવામાં આવ્યા છે. હાલ રોડનો સર્વે કરવામાં આવી રહ્યો છે. બાદ રસ્તાના ડાયવર્ઝન અને બંદોબસ્તની વ્યવસ્થા ગોઠવાશે. બીજી તરફ પોલીસ દ્વારા બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. મનપાની સ્થાયી સમિતિએ મેળા માટે 1.16 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.
ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું હતું કે મેળાને લઈ પોલીસ બંદોબસ્તની તૈયારી ચાલી રહી છે. પાંચ ઝોનમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે તેમજ અસામાજિક તત્ત્વો અને આસામાજિક પ્રવૃત્તિ કરતા લોકો પર નજર રાખવા માટે સીસીટીવી કેમેરા મૂકવામાં આવશે.
અંદાજે 2500ની આસપાસ પોલીસ, 40થી વધુ રાવટી ઉભી થશે
શિવરાત્રિના મેળામાં ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ, મહિલા પોલીસ, હોમગાર્ડ જવાન મળી અંદાજે 2500ની આસપાસ પોલીસ બંદોબસ્ત રહેશે તેમજ ભવનાથ અને જૂનાગઢમાં મુખ્ય વિસ્તારમાં પોલીસ દ્વારા રાવટી ઉભી કરવામાં આવશે. અંદાજે 40થી વધુ રાવટી ઉભી કરાશે.
વધુ બસ જોડવા માટે આજે નિર્ણય થશે
શિવરાત્રિના મેળામાં એસ.ટી. વિભાગ દ્વારા વધુ બસ મૂકવામાં આવશે તેમાં પણ જૂનાગઢથી ભવનાથ સુધી બસ શરૂ કરવામાં આવે છે. કેટલી બસ મૂકવામાં આવશે તે અંગે આજે સાંજે નિર્ણય કરવામાં આવશે તેમજ જૂનાગઢથી લાંબા રૂટની બસ પણ દોડાવવામાં આવશે. આ ઉપરાંત રેલવે વિભાગ દ્વારા આયોજન કરવામાં આવશે.
ભવનાથમાં ચહલપહલ વધી
શિવરાત્રિનાં મેળાને મંજૂરી મળતા તૈયારી શરૂ થઈ છે ત્યારે ભવનાથમાં આજે ચહલપહલ જોવા મળી હતી. ધીમે ધીમે સ્થાનિક નાના ધંધાર્થીઓ ભવનાથમાં આવી રહ્યા છે.


