જન્માષ્ટમી મહોત્સવ સમિતિના મંત્રી તરીકે પરેશ રૂપારેલીયાની નિમણૂક
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના વર્ષ 1964માં જન્માષ્ટમીના દિવસે થઈ હતી. ત્યારથી લઈ અને આજ સુધી અનેક સંઘર્ષ પૂર્ણ કાર્યો વિહીપના કાર્યકર્તાઓએ હિન્દુ સમાજ માટે, સામાજિક સમરસતા માટે તથા સમાજમાં જાગૃતિ લાવવા માટે કર્યા છે. જન્માષ્ટમીનો તહેવાર વિશ્વ હિન્દુ પરિષદનો સ્થાપના દિવસ હોવાના કારણે આ ઉત્સવનું મહત્વ અનેક ગણું વધી જાય છે. ઉપરાંત સમાજના દરેક સંપ્રદાયના લોકો જન્માષ્ટમીના તહેવાર સાથે લાગણીની ભાવનાથી જોડાયેલા છે. આ દિવસે વિહીપ કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ, ખુશીની લાગણી તથા નવી ઊર્જા જોવા મળે છે. જન્માષ્ટમીનો ઉત્સવ સમાજના તમામ વર્ગના લોકો, તમામ સંપ્રદાયો, તમામ સંસ્થાઓ, જ્ઞાતિ મંડળો, ભજન મંડળો, ગૌ સેવા દળો, રાસ મંડળો, ધાર્મિક સંસ્થાનો, વેપારી મંડળો, સેવાકીય સંસ્થાઓ, મંદિરો તથા જન જનને જોડવાનું કામ કરે છે તથા બધાની સાથે મળીને કામ કરવાનો અવસર આપે છે તથા આખાય સનાતનની સમાજને સમરસ થવાનો સંદેશો આપે છે.
- Advertisement -
રાજકોટમાં દર વર્ષે જન્માષ્ટમી ઉત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે. જેમાં અસંખ્ય શ્રદ્ધાળુઓ જોડાય છે. રાજકોટમાં ધર્મ પ્રેમી જનતા અલગ અલગ તહેવારો અને ઉત્સવોમાં શોભાયાત્રાનું આયોજન કરતા હોય છે પરંતુ જન્માષ્ટમી શોભાયાત્રા સૌથી મોટી યાત્રાઓ માની એક છે. આ શોભાયાત્રામાં આખું રાજકોટ શ્રીકૃષ્ણ ભક્તિના રંગમાં રંગાઈ જાય છે. આ વર્ષે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જન્માષ્ટમી શોભાયાત્રા જે 16/8/2025, શનિવારના રોજ યોજવાની છે તેની તૈયારીના શ્રી ગણેશ થઈ ચૂક્યા છે. વિશ્વ હિન્દુ પરિષદના કાર્યાલય જે મિલપરા – 8માં આવેલું છે ત્યાં અલગ અલગ બેઠકોનો ધમધમાટ શરૂ થઈ ગયો છે.
વિહીપની સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠક બોલાવામાં આવી હતી જેમા જન્માષ્ટમી મહોત્સવ સમિતિના મંત્રી તરીકે પરેશભાઈ રૂપારેલીયાની નિમણૂક કરવામાં આવી છે. જેઓ નાનપણથી સંઘના કાર્યકર્તા તથા હિંદુત્વના રંગે રંગાયેલા રહ્યા છે. અત્યારે તેઓ રાજકોટ વિભાગના સહમંત્રી તરીકે સેવા આપે છે તથા જન્માષટમી મહોત્સવ સમિતિના મંત્રી તરીકે જવાબદારી સ્વીકારી છે. ખૂબ જ ઉત્સાહી, સક્ષમ અને યુવામંત્રીની આગેવાની તથા સમસ્ત વિહિપ કાર્યકર્તા દ્વારા આ ઉત્સવ ભવ્ય બનાવવો તથા રાજકોટના સમસ્ત ધર્મ પ્રેમી, કૃષ્ણ ઘેલા હિંદુ સમાજને જોડવાના પુરા પ્રયત્નો કરવામા આવશે તેમ રાજકોટ વિભાગના મંત્રી કુણાલભાઇ વ્યાસએ જણાવ્યુ છે.