રાજકોટમાં CCTV તેમજ લોકોના સૂચનોનાં આધારે વોકળા સફાઈ સહિતની કામગીરી 15 દિવસમાં પૂર્ણ થશે: મ્યુ. કમિશ્નર
ખાસ-ખબર સંવાદદાતા
ચોમાસુ શરૂ થવાને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે હજુપણ મનપા દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરી પૂર્ણ થઈ નથી. અને શહેરના વિવિધ વિસ્તારોમાં લાંબા સમયથી કામગીરી કરવામાં આવી રહી છે. હાલ સીસીટીવી અને લોકોના સૂચનોનાં આધારે વોકળા સફાઈ સહિતની જરૂરી કામગીરી કરવામાં આવી રહી હોવાનું અને આ કામગીરી પંદર દિવસમાં પૂર્ણ કરવામાં આવનાર હોવાનું મ્યુ. કમિશ્નર આનંદ પટેલે જણાવ્યું હતું.
- Advertisement -
મ્યુ. કમિશ્નર આનંદ પટેલનાં જણાવ્યા મુજબ પ્રતિવર્ષની માફક ચાલુ વર્ષે પણ મનપાનાં અલગ-અલગ વિભાગો દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં વોકળા સફાઈથી લઈ જે કોઈ જરૂરી કામગીરી કરવામાં આવી રહી છે. જ્યાં વધુ પડતું પાણી ભરાય તેવી શક્યતા હોય તેવી જગ્યાઓ શોધી લેવામાં આવી છે. અને આવી તમામ જગ્યાઓ પર જરૂરી કામ કરવામાં આવી રહ્યું છે. કમાન્ડ એન્ડ કંટ્રોલરૂમ દ્વારા શહેરમાં 900 કરતા વધુ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. તો આ સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરીને તેમજ લોકોના સૂચનોને આધારે પણ પ્રિ-મોન્સૂન કામગીરી ચાલી રહી છે.
આ ઉપરાંત તાજેતરમાં આવેલ બિપોરજોય વાવાઝોડા બાદ કેટલાક મહત્વના મુદ્દાઓ ધ્યાને આવેલા છે. જેને ધ્યાનમાં રાખીને પણ કામગીરી કરવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે. જાગૃત નાગરિકો અને ચૂંટાયેલા પદાધિકારીઓ દ્વારા પણ કેટલાક મહત્વના સૂચનો મળ્યા હોય તેના આધારે પણ વરસાદની સિઝનમાં કોઈપણ મુશ્કેલી ન પડે તે માટે જરૂરી પગલાંઓ લેવામાં આવી રહ્યા છે. આ તમામ કામગીરી 15 દિવસમાં પૂર્ણ થનાર છે. આ સિવાય પણ જે કોઈ બાબતો ધ્યાનમાં આવશે તેના ઉપર જરૂરી પગલાં લઈ ચોમાસામાં લોકોને ઓછી મુશ્કેલી પડે તે દિશામાં કામગીરી ચાલુ રાખવામાં આવશે.