પરખ ભટ્ટ
(૧) શું ચાલે, ‘પબજી’ લવર્સ?
- Advertisement -
હવે આ શીર્ષક વાંચીને કોઈકને ઇજા પર નમકનો છંટકાવ થયો હોય એવી અનુભૂતિ થશે. પણ વિશ્વાસ કરો, આ લખનાર એકદમ ભોળો(!) અને માસુમ(!) છે. સરકારે ભૂતકાળમાં જ્યારે ચાઇનીઝ એપ્લિકેશન ‘ટિકટૉક’ પર બેન લગાવ્યો, ત્યારે ‘પબજી’વાળા નાગિન–નાચ કરીને રાજીપો વ્યક્ત કરી રહ્યા હતાં. આ અઠવાડિયે સરકારે નાંખેલી ગૂગલી પછી પાસાં પલટાઈ ચૂક્યા છે. વળી, કેટલાક હરખપદુડાંઓએ તો સોશિયલ મીડિયા પર લખ્યું પણ ખરા, ‘મોદી કિસી કો નહીં છોડતા! હજુ વધારે ડિસલાઇક કરો વીડિયો તમતમારે..!’ ખેર, ‘પબજી’ના બેસણામાં આપ સૌને સાદર આમંત્રણ છે!
(૨) મન કી બાત, ડિસ–લાઇક કી રાત!
સોશિયલ મીડિયા ટ્રાયલમાંથી હવે કોઈ બાકાત નથી.. દેશના વડાપ્રધાન પણ નહીં! આજ વખતે નરેન્દ્ર મોદીએ ‘મન કી બાત’માં રમકડાં અને પશુ–પ્રાણીની વાત માંડી એટલે દેશનું યુવાધન થયું ગુસ્સે! સાહેબ એમની પરીક્ષા અને ભવિષ્યને વાતોને બાજુ પર મૂકીને પ્રાણી વિશે ચર્ચા કરવા બેઠા એ વાત એમને પચી નહીં. સડક–૨ના ટ્રેલરની માફક નરેન્દ્ર મોદીની ‘મન કી બાત’ને પણ આ વખતે (આ લખાય છે ત્યાં સુધીમાં) યુટ્યુબ પર ૧૦ લાખ ડિસ–લાઇક પધરાવી દેવામાં આવ્યા!
- Advertisement -
(૩) પ્રેગનન્સી : મારી, તમારી, સૌની!
અનુષ્કા શર્મા ગર્ભવતી થઈ અને એણે સોશિયલ મીડિયા પર પોતાના પતિદેવ વિરાટ કોહલી સાથે તસ્વીર અપલોડ કરી પછી ભારતીયો હિલોળે ચડ્યા છે. પારણું અનુષ્કાને ઘેર નહીં, પણ પોતાને ઘરે બંધાવવાનું હોય એમ સોશિયલ મીડિયા કાફલાએ ઉત્સવ મનાવ્યો. એક હિન્દી ન્યુઝ ચેનલે વળી લખ્યું કે, ‘વિરાટ અને અનુષ્કા પ્રેગનન્ટ.’ જેને ન્યુઝચેનલની ભૂલ ગણીને સોશિયલ મીડિયા પર સ્ક્રીનશોટ્સ વાયરલ થયા. અરે ઓથમીરો, નવા ટ્રેન્ડ મુજબ, હવે ગાયનેકૉલોજિસ્ટ ડોક્ટર પણ પતિ–પત્ની (દંપતિ)ને પ્રેગનન્ટ ડિક્લેર કરે છે, જેથી પત્નીને માનસિક સધિયારો મળે અને પતિને એની જવાબદારીનો અહેસાસ થાય!
(૪) વકાન્ડા અમર રહે!
માર્વેલ સિનેમેટિક યુનિવર્સના ‘બ્લેક પેન્થર’ અને વકાન્ડા સ્વામી ૪૩ વર્ષીય હૉલિવૂડ અભિનેતા ચેડવિક બોઝમેનનું કેન્સરના કારણે મૃત્યુ થયું. આખી દુનિયાના ચાહકોએ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને એમને શ્રદ્ધાંજલિ પાઠવી. પાછલા ચાર વર્ષથી તે કેન્સર સામે ઝઝૂમી રહ્યો હતો. ‘બ્લેક પેન્થર’ કરોડોની કમાણી કરીને હૉલિવૂડમાં એક અમર ફિલ્મ બની ગઈ છે. ચેડવિક બોઝમેન ‘એવેન્જર્સ : એન્ડ ગેમ’ના ક્લાયમેક્સમાં પણ દેખાયો હતો. માર્વેલ દ્વારા ‘બ્લેક પેન્થર’ની સફળતાને ધ્યાનમાં રાખીને સિક્વલ પણ જાહેર કરી દેવામાં આવી છે. ચેડવિકના ફેન્સ એને બીજા ભાગમાં મિસ કરશે, એ નક્કી!
(૫) અલવિદા, પ્રણવ દા!
ભારતીય રાજકારણના નિર્વિવાદી વ્યક્તિત્વ અને ઉત્તમ રાજનેતાઓમાંના એક એવા પ્રણવ મુખર્જીનું દુઃખદ અવસાન થયું. સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો. કોઈ ગોડફાધર કે લાગવગ વગર ફક્ત લોકકાર્યોના કામ કરીને આગળ આવેલા આ બંગાળી બાબુ ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ઉપરાંત નાણા મંત્રી સહિતના ઘણા પદ પર કામ કરી ચૂક્યા હતાં. એક સમયે ઇન્દિરા ગાંધીનો ડાબો હાથ ગણાતાં પ્રણવ દા સોનિયા ગાંધીને રાજકારણમાં લાવવા માટે નિમિત્ત બન્યા. કમનસીબે, પાર્ટી પોલિટિક્સના પ્રતાપે એમને વડાપ્રધાન બનવાનો મોકો ક્યારેય ન મળ્યો.
(૬) એક નેતા, ઐસા ભી!
કોઈ રાજકારણી પોતાની તબિયતને કારણે સ્વેચ્છાથી બબ્બે વખત વડાપ્રધાન પદનો ત્યાગ કરે એવું પહેલી વખત વિશ્વના ધ્યાનમાં આવ્યું. શિન્ઝો આબે એમનું નામ! જાપાનના વડાપ્રધાન તરીકે તેઓ ૨૦૦૬-’૦૭ની સાલમાં પણ કામ કરી ચૂક્યા છે, પરંતુ ૨૦૦૭ની સાલમાં તબિયત લથડતાં એમણે પ્રેસિડન્ટ પદ છોડ્યું. આ અઠવાડિયે પણ એમણે ફરી બીજી વખત નાદુરસ્ત તબિયતને કારણે જાપાનના વડાપ્રધાન પદને અલવિદા કહ્યું. કારણમાં એમણે સ્પષ્ટપણે જણાવ્યું કે ‘હેલ્થ ખરાબ હોય ત્યારે દેશની સેવા ન થઈ શકે. અને હું નથી ઇચ્છતો કે દેશના વિકાસમાં કોઈ અવરોધ પેદા થાય!’ સાહેબ, નેતા હોય તો આવો! બાકી આપણે ત્યાં તો ખૂંધ બહાર નીકળી ગઈ હોય, બોલવાના પણ ફાંફા પડતા હોય, એક વાક્ય બોલવામાં પાંચ વખત ઉધરસના છાંટા સામેવાળી વ્યક્તિના મોઢા પર ઉડતા હોય, આખું શરીર રોગોનું ઘર બની ગયું હોય તો પણ સત્તાનો મોહ છૂટતો નથી… એવા નેતાઓ ભર્યા છે!
(૭) માનવતા ચગદાઈ!
ફેસબૂક સહિતના મોટાભાગના પ્લેટફોર્મ પર આ સપ્તાહે પૂજા ધિલ્લોનનો એક વીડિયો ખૂબ વાયરલ થયો, જેમાં તે પોતાના પગ નીચે ગલૂડિયાનું ખૂન કરતી નજરે ચડે છે. સોશિયલ મીડિયા યુઝર્સના ધ્યાનમાં આ વીડિયો આવતાંની સાથે જ ગજબનાક રોષ ફાટી નીકળ્યો. બેમોઢે પૂજા ધિલ્લોનને ગાળો આપવામાં આવી. પૂરતા પુરાવાઓ મળી ગયા હોવા છતાં પૂજા ધિલ્લોનને કોઈ મોટી સજા ન થઈ શકી, કારણકે આપણે ત્યાં પ્રાણી કે પશુ સાથે ક્રૂરતા આચરવાનો દંડ ફક્ત ૫૦ રૂપિયા છે! બીજી બાજુ, પૂજા બેન પણ એવું કહે છે કે, ‘એ વીડિયોમાં હું નથી. કોઈક બીજું છે..!!’ ચલ.. જૂઠ્ઠી.