ગાંધીનગર જિલ્લાની 5 વિધાનસભા બેઠક માટે આજથી 28 નવેમ્બર સુધી પોસ્ટલ બેલેટથી મતદાન યોજાશે. ચૂંટણી કાર્યમાં રોકાયેલા સરકારી કર્મચારીઓ સવારના 9 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી નિયત કરેલાં સ્થળોએ પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકશે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આગામી એક ડિસેમ્બરના રોજ પ્રથમ તબક્કાનું અને 5 ડિસેમ્બરએ બીજા તબક્કાનું મતદાન થવાનું છે. જ્યારે 8 ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે. આગામી 1 ડિસેમ્બરના રોજ ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાય તે પહેલા જ આજથી ગાંધીનગરની 5 વિધાનસભા બેઠક માટે પોસ્ટલ બેલેટથી મતદાન યોજાશે. ચૂંટણી કાર્યમાં રોકાયેલા કર્મચારી આજથી 28 નવેમ્બર સુધી મતદાન કરી શકશે.
- Advertisement -
સરકારી કર્મચારીઓ મતદાનથી અડગા ન રહી જાય તેવો ઉદ્દેશ
ચૂંટણી દરમિયાન શાંતિપૂર્ણ રીતે મતદાન પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે મતદાન કેન્દ્રો પર સરકારી કર્મચારીઓને તૈનાત કરવામાં આવે છે. તેવામાં ચૂંટણી પ્રક્રિયામાં અવિરત કાર્યરત તમામ સરકારી અધિકારીઓ-કર્મયોગીઓ પોતાના મતદાનના અધિકારનો ઉપયોગ કરી શકે તે માટે પોસ્ટલ બેલેટથી મતદાન કરવાની સુવિધા આપવામાં આવે છે.
ચૂંટણી પ્રક્રિયામાં કાર્યરત કર્મચારીઓ કરી શકશે વોટિંગ
જે અંતર્ગત ચૂંટણી કામગીરીમાં રોકાયેલા અને જેમણે 12-ડી ફોર્મ ભરીને આપ્યું હોય તેવા કર્મચારીઓ નિયત કરેલાં સ્થળોએ સવારના 9 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી બેલેટથી મતદાન કરી શકશે.
તૈયારીઓને અપાઈ રહ્યો છે આખરી ઓપ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ને લઈને રાજ્યના ચૂંટણી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. રાજ્યની 182 બેઠકો પર યોજાનારા મતદાન માટે મતદાન મથકો, મતદાર યાદી, ઈવીએમ-વીવીપેટ સહિતની અન્ય આનુસાંગિક સુવિધાઓને સુનિશ્ચિત કરવામાં આવી છે. રાજ્યમાં 29,357 પોલીંગ સ્ટેશન લોકેશન(PSL) પર 51,839 પોલીંગ સ્ટેશન(PS) ઊભા કરવામાં આવ્યા છે. રાજ્યમાં બંને તબક્કામાં કુલ 4,91,35,400 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.