રાજકોટમાં 13, જામનગર 14, સુરેન્દ્રનગર 14 ડિગ્રી સહિત સર્વત્ર ન્યુનતમ તાપમાન બે આંકડામાં
ખાસ-ખબર સંવાદદાતા
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે શુક્રવારે રાજ્યમાં ઠંડીમાં ઘટાડો જોવા મળે તેવી સંભાવના છે. આજે અમદાવાદ,ખેડા, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 17 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ ભરુચ, બોટાદ, નર્મદા, પોરબંદર સહિતના જિલ્લાઓમાં 20 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. આ ઉપરાંત સાબરકાંઠા,મહેસાણા,કચ્છ સહિતના જિલ્લાઓમાં 15 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. પાટણ અને બનાસકાંઠામાં 14 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે, તેમજ ઉત્તરાયણમાં માવઠાંની શક્યતાને પણ નકારી શકાય નહીં.
- Advertisement -
હવામાન વિભાગ અનુસાર આગામી સમયમાં વરસાદની નહીવત સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આજે શુક્રવારે અમદાવાદ, પંચમહાલ જિલ્લાઓમાં 29 ડિગ્રી તાપમાન રહે તેવી શક્યતા છે. બીજી તરફ અમરેલી,ડાંગ, દાહોદ, નવસારી, તાપી સહિતના જિલ્લાઓમાં 33 ડિગ્રી તાપમાન રહે તેવી શક્યતા છે. આણંદ, ભાવનગર, છોટાઉદેપુર,દેવભૂમિ દ્વારકા, ખેડા સહિતના જિલ્લાઓમાં 30 ડિગ્રી તાપમાન રહે તેવી શક્યતા છે. દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છમાં ગત રાત્રીથી ઠંડા પવનોનું જોર ઘટતા તિવ્ર ઠંડીનાં પ્રમાણમાં આંશિક રાહત થઇ છે અને નલિયાને બાદ કરતા મોટા ભાગનાં સ્થળોએ તાપમાન ડબલ ડિઝીટમાં પહોંચી ગયું છે. આ ઉપરાંત આજરોજ ગિરનાર પર્વત ઉપર પણ 9 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ હતું. જયારે આજરોજ પણ 6.4 ડિગ્રી સાથે નલિયામાં કડકડતી ઠંડીનો અનુભવ થયો હતો. તથા ભૂજમાં 12 ડિગ્રી, કંડલામાં 14 ડિગ્રી અને રાજકોટ શહેરમાં 13 ડિગ્રી સાથે ઠંડીમાં આંશિક રાહત રહી હતી. તેમજ જુનાગઢ સહિત સોરઠ જીલ્લામાં બે દિવસના તાપમાનમાં મોટી ઉથલ પાથલ થવા પામી છે જેમાં 6 ડિગ્રી પારો વધવા પામ્યો છે. લઘુતમ તાપમાન સવાર સાંજ ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. વધુમાં 20 ડિગ્રીને તાપમાન નીચે નોંધાતા ગુલાબી ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. બે દિવસમાં 6 ડિગ્રી તાપમાન ઘટતા ઠંડીનું મોજુ ફરી વળ્યું છે.
જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઇ પટેલની આગાહી
રવિવારે આખો દિવસ 10 થી 15 કિ.મી.ની ઝડપે પર્યાપ્ત પવન રહેશે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતમાં રવિવારે ઉજવનારા પતંગપર્વ માટે પતંગરસિયાઓ માટે રાહતની સ્થિતિ રહેશે. અને આખો દિવસ 10 થી 15 કિલોમીટરની ઝડપે પવન ફુંકાતો રહેવાની આગાહી જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઇ પટેલે કરી છે. તેમના કહેવા પ્રમાણે તા.15મી જાન્યુઆરી સુધી ઉત્તર પશ્ચિમ-ઉત્તર તથા ઉત્તર પૂર્વના પવનો ફુંકાશે. 14મીએ ઉત્તરાયણના દિવસે સવારે 11-30 થી રાત્રે 8.30 સુધી 10 થી 15 કિ.મી.ની ઝડપે પવન ફુંકાતો રહેશે. તેનો અર્થ એવો થાય છે કે પતંગ ચગાવવા માટે પર્યાપ્ત અને અનુકુળ પવન હશે. જો કે, 15મીએ વાસી ઉત્તરાયણે પવનનું જોર ઓછું થઇ જવાની સંભાવના છે. મકરસંક્રાંતિ બાદ 16થી 18 જાન્યુઆરી દરમ્યાન પશ્ચિમી પવન ફુંકાશે એટલે સવારે ભેજનું પ્રમાણ વધશે અને ઝાકળ વરસશે. 16મીએ કચ્છ તથા પશ્ચિમ સૌરાષ્ટ્રમાં 17મીએ કચ્છ-સમગ્ર સૌરાષ્ટ્ર તથા ઉત્તર ગુજરાતમાં અને 18મીએ કચ્છ-સૌરાષ્ટ્ર તથા મધ્ય-દક્ષિણ ગુજરાતમાં ઝાકળ રહેવાની શક્યતા છે. 19મીએ ફરી પવનની દિશા બદલાશે અને ઉત્તરપૂર્વ-પૂર્વના પવન ફુંકાયા શરુ થઇ જવાની સંભાવના છે.
રાજકોટ-ગુજરાતના પતંગરસિયાઓને ખાસ કરીને 14મીએ મકરસંક્રાંતિએ પવન વિશે ચિંતા રહેવાની જરૂર નહીં રહે કારણ કે પર્યાપ્ત પવનને કારણે પતંગ ચગાવવામાં
મોજ રહેશે.