કાર્તિક મહેતા
પોર્ન જોવું ભારતમાં કાયદેસર અપરાધ છે. ઘણી બધી પોર્ન વેબસાઈટ પર ભારતીય લોકોનો ટ્રાફિક બહુ ભારે હોય છે. હમણાં જાહેર થયેલા ડેટા અનુસાર આખા વિશ્વમાં પોર્ન જોતાં લોકોની ટકાવારીમાં ભારત ટોચના ત્રણ દેશોમાં આવે છે.(આમાં પણ પાકિસ્તાનને પછાડી દીધું એનું ગૌરવ લેવા વાળા મૂરખા પણ મળી આવે કદાચ)
ભારતમાં થોડા સમય પહેલા જ અનેક પોર્ન વેબસાઈટ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો પણ ટેક્નોલોજીમાં તાળા કરતા વધારે ચાવી હોય છે. લોકો બીજી અનેક વેબસાઈટ થકી પોર્ન જોવાની વૃત્તિ સંતોષતા અથવા તો અમુક “જુગાડ” થી આ વિકૃત શોખ પૂરો કરતા.
- Advertisement -
આથી આ નવેમ્બરમાં ભારતની સુપ્રિમ કોર્ટમાં પોર્ન ઉપર સદંતર પ્રતિબંધ મૂકવાની જાહેર અરજી કરવામાં આવેલી. આશ્ચર્ય જનક રીતે સુપ્રીમ કોર્ટે તે અરજીને નકારી કાઢી. એક જજે ટકોર કરતા નેપાળમાં કથિત રીતે યુવાનો દ્વારા થયેલા આંદોલનનું ઉદાહરણ આપ્યું કે જો પોર્ન બંધ થાય તો યુવાનોનો “ગુસ્સો” ક્યાંક સિસ્ટમ ઉપર ઉતરે…
વિજ્ઞાન આ વાતને સ્વીકારતું નથી. ઉલ્ટાનું જો વ્યક્તિ માપસર સેકસ અથવા માસ્ટરબેશન (હસ્તમૈથુન) ના કરે તો એનામાં સેક્સ્યુઅલ હોર્મોનનું પ્રમાણ ઘટે છે એવું વિજ્ઞાન કહે છે. માપસર નેચરલ સેકસ જીવનની બહુ નોર્મલ જરૂરિયાત છે તે તો દરેકે સ્વીકારવું પડે (જાહેરમાં નહિ તો ખાનગીમાં..)
પરંતુ, જીવનની જરૂરિયાત સેકસ છે, પોર્ન નથી. પોર્ન એક વળગણ કે વ્યસન છે. જે અસર દારૂ કે સિગરેટ મગજ ઉપર કરે , લગભગ એવું જ કામ પોર્ન કરે છે..તે મગજને “ખુશી”નો અહેસાસ આપે છે પણ તે આનંદ “જૂઠો” હોય છે. આવા જૂઠા આનંદની ટેવ પડતા વાર નથી લાગતી. માણસ પોર્ન એડિકટ બનીને દામ્પત્ય જીવનને ખલાસ કરી શકે છે, માનસિક રોગોનો શિકાર બની શકે છે.
- Advertisement -
હમણાં એક બહુ નાની ઉંમરના યુવતી અને યુવકની અંગત પળોની ક્લિપ ભારતભરમાં વાયરલ થઈ. સોશિયલ મીડિયા ઉપર લોકો લિંક માગતા કે એ વિડિયો જોયાનો એકરાર કરતા જોવા મળ્યા. લોકોને મન જાણે આ વાત સામાન્ય હોય એમ એની ઉપર મીમ અને ટુચકા , મશ્કરી કરતી કમેંટ્સ્ નો વરસાદ થયો.
કોઈને નગ્ન જોવાની કે સેક્સ કરતા જોવાની વૃત્તિને અંગ્રેજીમાં “વોયુરીઝમ” કહે છે. આ એક માનસિક સમસ્યા છે, ખાસ કરીને લોકો પોતાની વિવેક બુદ્ધિ છોડીને જ્યારે આ વૃત્તિને સંતોષવા માંડે તે એક સામાજિક રોગ ગણી શકાય.
ભારતનું વિશ્વમાં પોર્ન જોતાં દેશોમાં ટોચના ત્રણ દેશોમાં આવવું ચેતવણી સમાન બાબત છે. ઘણા સમયથી ભારતમાં સેક્સનું નોરમલાઈઝેશન કરવામાં આવી રહ્યું છે. ભારતમાં પોર્ન જોવું, દ્વિઅર્થી સંવાદો વાળા નાટક કે ફિલ્મો જોવા કે વલ્ગર કહી શકાય એવા ચિત્રો કે ફોટાને નોર્મલ ગણીને સૌંદર્યને નામે વાયરલ કરવાનો ધંધો ધમધમી રહ્યો છે. કેમકે એમાં લોકોને લાઈક,કમેન્ટ અને શેર મળે છે અને રોકડી થાય છે. (રૂપિયા માટે કાઇ પણ કરી છૂટવું પણ ભારતીયોનું એક કુલક્ષ્ણ છે, જેને કારણે કરોડો ભારતીયો ઉપર હજારો અંગ્રેજ રાજ કરી શક્યા)
ઘણા કમબુદ્ધિ લેખકો અને બની બેઠેલા સ્વઘોષિત બૌદ્ધિકો સેકસ (અને પોર્ન) ને નોરમલાઈઝ કરવા માટે સતત પ્રાચીન ભારતીય સંસ્કૃતિની દુહાઈ આપતા ફરે છે. તેઓ ખજૂરાહોના મંદિર બહારની કામુક મૂર્તિઓ બતાવીને કહે છે કે ભારતમાં સેકસ એકદમ સામાન્ય ચીજ હતી. આ અક્કલના આંધળા જાણતા નથી કે મંદિરની બહાર , મોટે ભાગે મંડપ ગણાતા ભાગમાં આવી “કામુક” મૂર્તિઓ કેમ હોય છે. આથી એમની નબળી બુદ્ધિથી તેઓ મંદિરોને સેકસ શીખવાડવાના કેન્દ્રો સમજીને આવો દુષ્પ્રચાર કરે છે.
ખરેખર મંદિરોમાં કદી કામુક મૂર્તિઓ નહોતી. આવી મૂર્તિઓ હમેશા મંદિર બહારના ભાગમાં રહેતી. મંદિરના ગર્ભગૃહમાં કદી આવી મૂર્તિઓ નથી હોતી. આનું કારણ એમ છે કે મંદિર એ આપણા મગજની પ્રતિકૃતિ છે. આપણા વિચાર વિશ્વમાં સહજ રીતે સેક્સ, ભય, ક્રોધ જેવા ભાવો સહુથી વધારે હોય છે (એમાં કશું ખોટું નથી) . આ ભાવોને અતિક્રમી જાવ તો જ ગર્ભગૃહમાં બેઠેલા ઈશ્વરના દર્શન થઈ શકે. મગજમાં બેઠેલ મહાદેવ ત્યારે જ સાક્ષાત્કાર આપે જ્યારે મનમાં રહેલા કામ ક્રોધ ભય જેવા ભાવોને પાર કરીને શિવની પાસે પહોંચવામાં આવે. ત્યાં પહોંચવાનો બીજો કોઈ રસ્તો નથી , બારી નથી. આથી ગર્ભગૃહમાં બારી નથી હોતી.
ભારતના પ્રાચીન સાહિત્યમાં પણ જે સેક્સના ઉલ્લેખ છે તે પ્રતીકાત્મક છે. એમાં ક્યાંય લોકોને ગલીપચી કરીને એમને સોફ્ટ પોર્ન પીરસવાની ખંજવાળ નથી. કાલિદાસ જ્યારે કુમાર સંભવમમાં કાર્તિકેયના જન્મની તૈયારી સ્વરૂપે શિવ અને પાર્વતી સમાગમ કરે એનું કામ પ્રચુર વર્ણન કરે ત્યારે કાલિદાસને સોફ્ટ પોર્ન પીરસીને લાઈકો ઉઘરાવવાની વિકૃતિ પોષવી નથી હોતી. કાલિદાસ આ અગમ્ય સૃષ્ટિના રહસ્યોને આવી “સંધ્યા” કહેવાતી ભાષામાં ખુલ્લા કરે છે. નરસિંહ મહેતા કે કવિ જયદેવ જ્યારે રાધા કૃષ્ણ ના મિલનના કામુક વર્ણન કરે તો તેઓ કોઈ વંદ્ય (જેના ઉપરથી વાંઢો શબ્દ આવ્યો છે) લેખકની જેમ પોતાની કામ વાસનાને પ્રગટ નથી કરતા. તેઓ આ જગતના પરમ રહસ્યોને વૈખરી કહેવાતી ગુપ્ત વાણીમાં લોકોની સમક્ષ મૂકે છે. મૂઢમતી એવા અમુક લોકોને અધુરિયા જ્ઞાનને કારણે આ બધી જાણ નથી હોતી.
આજે ભારત સહુથી વધુ યુવાનો ધરાવતો દેશ છે. આથી પોર્ન પીરસવા વાળાઓ માટે હોટ ફેવરિટ પણ છે. પરંતુ, યુવાનોએ જાણવું પડશે કે પોર્ન કદી પણ કોઈ નિર્દોષ ચીજ નહોતી એને નથી. તે એક ભયાનક વળગણ છે જે મગજને કાયમી નુકસાન કરી શકે છે.પોર્ન ઉપર પ્રતિબંધ સરકાર કે કોર્ટ લાદે એની પહેલા પોતે લાદી દેવો એમાં જ શાણપણ છે.



