ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
પોરબંદર જિલ્લાના દરિયા કિનારેથી ફરી એક વખત નશીલા પદાર્થોની હેરાફેરીનો ભાંડો ફૂટ્યો છે. શહેરથી થોડા અંતરે આવેલા ઓડદર ગામના દરિયા કિનારેથી એસઓજીની ટીમે ડ્રગ્સના બે પેકેટ કબ્જે કર્યા છે, જેમની અંદાજિત કિંમત રૂ. 3.86 લાખ જેટલી હોવાનું જાણવા મળ્યું છે. આ પેકેટ બિનવારસુ હાલતમાં દરિયા કિનારે પડેલા જોવા મળ્યા હતા. મળેલી ગુપ્ત બાતમીના આધારે એસઓજી ટીમે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. ડ્રગ્સના પેકેટ તરતાં તરતાં દરિયામાંથી તટ પર આવ્યા હોવાની શકયતા છે. પોલીસે સમગ્ર ઘટનાની ગંભીરતાથી તપાસ શરૂ કરી છે.
- Advertisement -
દ્રવ્ય મળ્યા બાદ તાત્કાલિક અસરથી પેકેટ ફોરેન્સિક પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. સ્થાનિક માછીમારો અને ગામલોકો પણ આવી ઘટનાઓથી ચિંતિત બન્યા છે. પોલીસ તંત્રએ તટલગ્ન વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવાની કામગીરી શરૂ કરી છે અને દરિયા કાંઠે ગશત તીવ્ર બનાવાઈ છે. કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખી પોરબંદર એસઓજી ઉપરાંત મેરિન પોલીસ અને સ્થાનિક પોલીસ સ્ટેશન દ્વારા સંયુક્ત તપાસ શરૂ કરવામાં આવી છે.
અધિકારીઓ દ્વારા માછીમારો તથા તટલગ્ન ગામોમાં જનજાગૃતિ અભિયાન શરૂ કરાયું છે. કોઈપણ શંકાસ્પદ પદાર્થ, પેકેટ કે વ્યક્તિ જોવા મળે તો તાત્કાલિક પોલીસને જાણ કરવા સૂચના આપવામાં આવી છે. અરબી સમુદ્રમાંથી નશીલા પદાર્થોની હેરાફેરીના અનેક કેસો અગાઉથી સામે આવી ચૂક્યા છે. ખાસ કરીને ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારો – પોરબંદર, દ્વારકા અને વેરાવળના દરિયા કિનારે અગાઉ પણ આવા પેકેટ મળી આવ્યા હતા. હાલના કેસમાં પણ શક્ય છે કે કોઈ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્ક દ્વારા હેરોઈન કે અન્ય નશીલા પદાર્થોની ટ્રાન્સપોર્ટ વચ્ચે પેકેટ દરિયામાં પડી ગયા હોય અને લહેરો દ્વારા અહીં તટે પહોંચી ગયા હોય.