ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
પોરબંદર જિલ્લા કલેકટર ધાનાણીના માર્ગદર્શન હેઠળ ખનીજ ખનન અને વાહન વ્યવસાયમાં અનિયમિતતા અટકાવવા માટે વિશેષ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખનીજ વિભાગ અને પ્રાંત અધિકારીની જુદી-જુદી ટીમો દ્વારા પોરબંદર જિલ્લામાં છાપા મારવામાં આવ્યા હતા. આ ઓપરેશન દરમિયાન કુલ રૂ. 56 લાખના અનધિકૃત ખનિજો અને વાહનો સીઝ કરવામાં આવ્યા હતા. 24 ડિસેમ્બરના પ્રાંત અધિકારી પોરબંદર અને ખનીજ વિભાગની ટીમ દ્વારા પાતા ગામે અચાનક તપાસ હાથ ધરવામાં આવી. તપાસ દરમિયાન બે ચકરડી મશીનો અને એક ટ્રેકટરે બિલ્ડિંગ લાઈમસ્ટોન ખનન કરતા પકડાયા હતા. તાત્કાલિક કાર્યવાહી અંતર્ગત રૂ. 3 લાખના મુદ્દામાલ સાથે નવિબંદર પોલીસ સ્ટેશનમાં અહેવાલ નોંધવામાં આવ્યો. 25 ડિસેમ્બર 2024ના રોજ ખનીજ અધિકારી મિતેશભાઈ મોદી અને તેમની ટીમ દ્વારા પોરબંદર તાલુકામાં રોડ ચેકિંગ યોજાયું. જેમાં રોયલ્ટી પાસ વગર ખનિજો વહન કરતા ટ્રકોને પકડી પાડવામાં આવ્યા.
- Advertisement -
આ કાર્યવાહીમાં 56 લાખના લાઈમસ્ટોન અને વાહનો પકડી પાડવામાં આવ્યા છે. સીઝ કરાયેલા તમામ ટ્રકો અને ખનિજો કલેક્ટર કચેરી અને નવિબંદર પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવ્યા છે. ખનીજ વિભાગ દ્વારા સંડોવાયેલા તમામ વાહન માલિકો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જિલ્લા કલેક્ટરએ જણાવ્યું કે, “અનધિકૃત ખનનના તમામ મામલાઓમાં કડક કાર્યવાહી ચાલુ રહેશે અને પોરબંદરમાં ખનિજોનો દુરુપયોગ થતો અટકાવવામાં આવશે.” આ કાર્યવાહીથી પોરબંદર જિલ્લામાં અનધિકૃત ખનન પર નિયંત્રણ મેળવવા માટે એક મજબૂત સંકેત આપવામાં આવ્યો છે.
સીઝ કરાયેલા વાહનો અને મુદ્દામાલની વિગતો:
1. બળેજ ગામ: કાળાભાઈ ખીમાભાઈના ટ્રક માં 13 મેટ્રિક ટન લાઈમસ્ટોન –
રૂ. 15 લાખ
2. બળેજ ગામ: લીલાભાઈ રાજાભાઈ પરમારના ટ્રકમાં 2 મેટ્રિક ટન – રૂ. 5 લાખ
3. માધવપુર: અજીતભાઈ લખુભાઈ પરમારના ટ્રક માં 13 મેટ્રિક ટન – રૂ. 8 લાખ
4. ઓડદર: ભરતભાઈ હાજાભાઈ ઓડેદરાના ટ્રકમાં 22 મેટ્રિક ટન – રૂ. 15 લાખ
5. રાતડી: રાજુભાઈ કેશાવાલાના ટ્રકમાં 16 મેટ્રિક ટન – રૂ. 5 લાખ
6. રાતડી: દિલીપભાઈ જીવાભાઈ કૂછડિયાના ટ્રકમાં 14 મેટ્રિક ટન – રૂ. 5 લાખ