પોરબંદર પોલીસે રાજુ રાણાની સાન ઠેકાણે લાવવા કાયદાનો પાઠ ભણાવ્યો
ભૂતકાળમાં રાજુ રાણા વિરૂદ્ધ અનેક ગંભીર ગુનાઓ પોલીસ ચોપડે નોંધાઇ ચૂક્યા છે
ડિશ કેબલના સંચાલક રાજુ રાણાએ લીમડા ચોક પાસે આંતક મચાવ્યો હતો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
પોરબંદરના લીમડા ચોકમાં મોડી રાત્રે એક ડીશ કેબલ સંચાલકે નશાની હાલતમાં ગેરવર્તન કરતા લોકોના ટોળા એકઠા થયા હતા, આથી પોલીસે ત્યાં પહોંચી આરોપીની અટકાયત કરી હતી ત્યારે કારમાંથી બે છરી અને લોખંડનો પાઈપ મળી આવ્યા હતા. ત્યારબાદ પોલીસે સમગ્ર ઘટનાનું રિ- ક્ધસ્ટ્રક્શન કરાવ્યું હતું. આ અંગે પ્રાપ્ત વિગત મુજબ પોરબંદરના ગીતાનગરમાં રહેતા અને ડીશ કેબલનો ધંધો કરતા રાજુ રાણાભાઈ ઓડેદરા (ઉ. વર્ષ 50) એ શુક્રવારે રાત્રીના સમયે કેફી પીણું પીધા બાદ નશો કરેલી હાલતમાં પોતાની કાર લીમડા ચોકમાં મઢુલી પાન સામે ઉભી રાખી હતી અને છાકટો બની ઉદ્ધતાઈભર્યું વર્તન કરતો હતો. જેથી કીર્તિમંદિર પોલીસના સર્વેલન્સ સ્ટાફના માણસો તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગયા હતા અને આરોપીની પૂછપરછ અને તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન મારૂતિ સિયાઝ કારમાંથી એક લીલા કલરના હાથાવાળી અને બીજી પુશબટનવાળી એમ બે છરી, એક લોખંડનો પાઈપ અને એક હથોડી મળી આવી હતી.આથી તેની અટકાયત કરવામાં આવી હતી તેમજ પ્રોહીબીશન એક્ટ તથા હથીયારબંધી જાહેરનામા ભંગ બદલ કીર્તિમંદિર પોલીસ મથકે તેના વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ગઈકાલે શનિવારે સાંજે આરોપી રાજુ રાણા ઓડેદરાને પોલીસ દ્વારા ઘટના સ્થળે લીમડા ચોક વિસ્તારમાં લઈ જવામાં આવ્યો હતો અને સમગ્ર ઘટનાનું રિ-ક્ધસ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું અને આરોપીએ જાહેર જનતાની પાસે માફી પણ મંગાવાઈ હતી.