ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
થાઈલેન્ડમાં નોકરી અપાવવાની લાલચ આપી ઉત્તરાખંડના એક યુવાનને મ્યાનમાર લઈ જઈ બંધક બનાવવાના ગુનામાં પોરબંદરના ટુકડા ગામના જયદીપ ઉર્ફે જય રામજીભાઈ જોશી ઉર્ફે ટુકડીયા નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે. ફરિયાદી ગજેનદ્રસિંહ શૌન દ્વારા કરવામાં આવેલી પોલીસ ફરિયાદ અનુસાર, ઠગ શખ્સે તેમના પુત્ર લલિત શૌનને થાઈલેન્ડમાં નોકરીની લાલચ આપી મ્યાનમાર લઈ જઈ બંધક બનાવી દીધો હતો.
- Advertisement -
પોરબંદરના નવીબંદર મરીન પોલીસ સ્ટેશનમાં આ બનાવની ફરિયાદ નોંધાતા પોલીસ દ્વારા ત્વરિત કાર્યવાહી કરવામાં આવી હતી. આ ગુનામાં ભારતીય દંડ સંહિતાની કલમ 120(બી) અને અન્ય વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મ્યાનમારમાં યુવાનને બંધક બનાવીને પ્રતાડિત કરવાના આ કેસમાં જયદીપ ટુકડીયા શખ્સ નાસતો ફરતો હતો, પરંતુ પોલીસને બાતમી મળતા તેને પોરબંદરના ટુકડા ગામથી ઝડપી લેવાયો. આ સફળ કામગીરીમાં નવીબંદર મરીન પોલીસ સ્ટેશનના પો.સબ.ઈન્સ.પી.એસ.ઝાલા, એ.એસ.આઈ. પી.એન.ભુવા, પો.હેડકોન્સ. પી.એલ.ચૌહાણ, અને પો.કોન્સ. પુંજાભાઈ અરજનભાઈ તથા અનિલ વિરમભાઈ સહિતનાઓ જોડાયા હતા