SOGએ રૂ. 40,520નો મુદ્દામાલ કબ્જે કર્યો, 3 આરોપીના નામ ખુલ્યા
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
પોરબંદરના કડિયા પ્લોટ ખાડીકાંઠે રહેતા એક શખ્સના મકાનમાં ગાંજાનો જથ્થો હોવાની ચોક્કસ બાતમીના આધારે એસઓજી ટીમે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન મકાનમાંથી 3 કિલો 502 ગ્રામ સુકો ગાંજો મળી આવ્યો હતો.
પોલીસે આરોપીને ઝડપી લઈને મોબાઇલ ફોન, વજન કાંટો સહિત કુલ રૂ. 40,520નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોરબંદર જિલ્લાના પોલીસ અધીક્ષક બી. યુ. જાડેજાએ નશીલા પદાર્થોના વેચાણકારો તથા સેવનકારો સામે કડક કાર્યવાહી કરવા માટે સૂચનાઓ આપી હતી.
તે અનુસંધાને એસઓજી પીઆઈ વાય. જી. માથકીયા તથા પી. ડી. જાદવના માર્ગદર્શન હેઠળ ટીમને ચોક્કસ માહિતી મળી હતી. મળેલી માહિતીના આધારે એએસઆઈ રવિન્દ્ર એસ. ચાંઉ, હેડ કોન્સ્ટેબલ મોહિત ગોરાણીયા, પી.સી. દિલીપ મોઢવાડીયા અને સરમણભાઈ ખુંટીએ કડિયા પ્લોટ ખાડીકાંઠે રહેતા મહેન્દ્ર ઉર્ફે ધોની મોહન પરમારના મકાનમાં દરોડો પાડ્યો હતો.
ત્યાંથી 3 કિલો 502 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. પ્રાથમિક પુછપરછમાં આરોપીએ સ્વીકાર્યું કે આ ગુન્હામાં તેના સાથીદારો તરીકે પોરબંદરના ચૂનાના ભઠ્ઠા પાસે રહેતો અકિલ રજાક હાલેપોત્રા, રહેમાની એપાર્ટમેન્ટ સામે રહેતો ધર્મેશ હરેશ પુનાણી તથા પશ્ચિમ બંગાળનો શંભુ સામેલ છે. આ મામલે કમલાબાગ પોલીસ મથકે ચારેય શખ્સ વિરુદ્ધ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.