લોકસભાની ચૂંટણીમાં ચોક્સાઈ અને સતર્કતાથી કાર્ય કરવા અધિકારીઓને કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા માર્ગદર્શન અપાયું
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.2
- Advertisement -
પોરબંદર લોકસભા સામાન્ય ચૂંટણી – 2024 અન્વયે જિલ્લા કલેકટર કે.ડી. લાખાણીના અધ્યક્ષસ્થાને ચૂંટણી ખર્ચ પર દેખરેખ અને નિયંત્રણ અંગેની બેઠક યોજાઈ હતી. જેમાં લોકસભાની ચૂંટણીમાં ચોક્સાઈ અને સતર્કતાથી કાર્ય કરવા અધિકારીઓને કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા માર્ગદર્શન અપાયું હતું. લોકસભાની ચૂંટણીને લઈને દરેક લોકસભા મતવિસ્તારમાં ચૂંટણીમાં ઉભેલા ઉમેદવારો તથા પક્ષ દ્વારા કરવામાં આવતા ખર્ચ નિરીક્ષણ અને નિયંત્રણ માટે ખર્ચ નિયંત્રણ સમિતિની રચના કરવામાં આવે છે.
પોરબંદર જિલ્લામાં જિલ્લા કલેકટર કે.ડી. લાખાણીના અધ્યક્ષસ્થાને આ સમિતિની રચના કરવામાં આવી છે. જેમાં તિજોરી કચેરી, આવકવેરા, કસ્ટમ, જીએસટી સહિત વિભાગોના અધિકારીઓ ઉમેદવારો દ્વારા ચૂંટણી પ્રચારમાં થતાં ખર્ચ પર દેખરેખ રાખે છે. આ સમિતિ દ્વારા રાખવામાં આવતા હિસાબોમાં ચોક્સાઈ રહે અને હિસાબો પારદર્શી અને ક્ષતિરહિત બને તે માટે એકસૂત્રતા જળવાઈ તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી કે.ડી. લાખાણીની અધ્યક્ષતામાં એક બેઠકનું આયોજન જિલ્લા સેવા સદન-1ના સભાખંડમાં કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર કે.ડી. લાખાણી અને જિલ્લા વિકાસ અધિકારી કેતન ઠકકરએ આ સંદર્ભમાં જણાવ્યું કે, જ્યારથી ચૂંટણીપંચ દ્વારા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. ત્યારથી વિવિધ ટીમો દ્વારા ચૂંટણીલક્ષી કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
આગામી 12મી એપ્રિલના રોજથી નામાંકન બાદ આ કામગીરી પૂર્ણકક્ષાએ કાર્યરત થશે. આવકવેરા, બેંક, કસ્ટમ, જીએસટી, એમસીએમસી કમિટિ વગેરે દ્વારા થતી કાર્યવાહીની તલસ્પર્શી સમિક્ષા કરીને જરૂરી માર્ગદર્શન ઉપસ્થિત અધિકારીઓને પૂરું પાડ્યું હતું.
જેથી લોકશાહી પ્રક્રિયાની પવિત્રતા જળવાઈ રહે. આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર આર.એમ રાયજાદા, જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા વગેરે અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.