મનપાની ચૂંટણીમાં જીત્યા વગર પક્ષપલ્ટાથી બે સભ્યોનો પક્ષપલ્ટાને એક તૃતિયાંશનો નિયમ લાગુ ન પડે તેવો મત પણ બે તૃતિયાંશ નિયમ મૂજબ પક્ષપલ્ટો કરનાર ગેરલાયક ઠરે
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
કોંગ્રેસના બે કોર્પોરેટરોના પક્ષપલ્ટાથી દેશના રાજકીય પક્ષોનું હંમેશા જેના પર ધ્યાન રહ્યું છે તે રાજકોટના રાજકારણમાં ઐતહાસિક પરિવર્તન તોળાઈ રહ્યું છે. મહાપાલિકાની તા.19-11-1973 ના સ્થાપના થઈ ત્યારથી આજ સુધીના 49 વર્ષના ઈતિહાસમાં પ્રથમવાર ભાજપ-કોંગ્રેસ સિવાયનો કોઈ ત્રીજો પક્ષ, આમ આદમી પાર્ટીનો ચૂંટણી જીત્યા વગર મનપામાં પ્રવેશ થવાના સંજોગો ઉભા થયા છે. ભાજપ,મહાપાલિકા,આપ,કોંગ્રેસ દ્વારા કાનુની જોગવાઈનો આજે ઉંડાઈથી અભ્યાસ શરૂ કરાયો છે અને આ મુદ્દે ભારે ધમાસાણ જામ્યું હતું.
વિગત એવી છે કે રાજકોટ મનપામાં કોર્પોરેટરોની કૂલ બેઠક 72 છે જેમાં ગત ચૂંટણીમાં કોંગ્રેસના માત્ર 4 કોર્પોરેેટરો વોર્ડ નં. 15 માં જીત્યા હતા. ચૂંટણી વિભાગના સૂત્રો અનુસાર જેતે પક્ષના ચિહ્ન પર ચૂંટણી જીતનાર ચૂંટાયેલા કૂલ સભ્યોમાં એક તૃતિયાંશ એટલે કે ત્રીજા ભાગના (33 ટકા) કરતા ઓછા સભ્યો પક્ષપલ્ટો કરે તો પક્ષાંતર ધારા હેઠળ તેઓને કોર્પોરેટર પદે ગેરલાયક ઠેરવી શકાય છે. પરંતુ, કોંગ્રેસના કૂલ 4માંથી 2 કોર્પોરેટરો વશરામ સાગઠીયા અને કોમલબેન બારાઈએ પક્ષપલ્ટો કરીને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. આમ, આ બન્ને કોર્પોરેટરો આપના ચિહ્ન પર ચૂંટાયા નથી છતાં હવે મનપાની બેઠકો, હવે પછી જનરલબોર્ડમાં આમ આદમી પાર્ટીનું પ્રતિનિધિત્વ કરશે.
ઉપરાંત, હજુ ત્રીજા કોર્પોરેટર મકબુલ દાઉદાણી પણ કોંગ્રેસથી છેડો ફાડે તેવી શક્યતા પક્ષપલ્ટો કરનાર સભ્યોએ દર્શાવી છે. જો, એમ થાય તો આમ આદમી પાર્ટી બાકાયદા વિપક્ષી નેતાનું પદ જે હાલ ભાનુબેન સોરાણીને મળ્યું છે અને તે હોદ્દાની રૂએ તેમને સાધનસજ્જ એ.સી.ઓફિસ, મોટરકાર સહિતની સુવિધા અપાઈ છે તે પદ માટે આમ આદમી પાર્ટી દાવો કરી શકશે.
- Advertisement -
ભાજપના સૂત્રોએ જણાવ્યું કે નવા નિયમ મૂજબ સંભવત: બે તૃતિયાંશ સભ્યો જોઈએ અને તે મૂજબ બન્ને ગેરલાયક ઠરી શકે અને પેટાચૂંટણી યોજવી પડે. છતાં સ્પષ્ટ નિયમ શુ તે અંગે ચૂંટણી પંચનું ઉચ્ચસ્તરે માર્ગદર્શન મેળવાઈ રહ્યું છે. ઉપરોક્ત બન્ને કોર્પોરેટરોએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું છે જે અન્વયે પ્રદેશ કોંગ્રેસના સૂત્રો અનુસાર તેમની સામે શિસ્તભંગના પગલા લેવા પક્ષમાંથી હકાલપટ્ટી કે સસ્પેન્શનના પગલા લેવાશે. આમ થયા બાદ મનપાને તેની કોંગ્રેસ દ્વારા જાણ કરાયા બાદ વિધિવત્ દરખાસ્ત કરાશે.
કોંગ્રેસના પક્ષપલ્ટાથી રાજકોટમાં ભાજપ,કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિત કાર્યકરો, નેતાઓમાં જોગવાઈ ચકાસવા ભારે ધમધમાટ રહ્યો હતો. આજે રજાના દિવસે ચૂંટણી તંત્રના અધિકારીઓએ નિયમોના ચોપડા ખોલીને તેની ચકાસણી કરી હતી અને સાંજે આ સૂત્રો અનુસાર એક તૃતિયાંશ કરતા સંખ્યા ઓછી હોય તો પક્ષાંતર ધારો લાગુ પડે તેવો મત આપ્યો હતો. શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ જણાવ્યું કે અમે પૂરો અભ્યાસ કરી, ગાંધીનગર માર્ગદર્શન મેળવીને આ મુદ્દે આગળ નિર્ણય લેશું.


