પોલીસ દ્વારા PGVCLની ટીમને સાથે રાખી કોમ્બીંગ કરાયું
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.27
ઉના ના ઉમેજ, સનખડા, ખાણ ગામે રહેતા અસામાજિક તત્વો ના મકાનો દસ્તાવેજો, વીજ કનેકશન અને નળ કનેકશન ચેક કરાયા. ઉના પોલીસનાં કોમ્બિંગથી અસામાજિક તત્વો માં ફફડાટ. ગુજરાત પોલીસ વડા દ્વારા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહીના આદેશ બાદ ઉના પોલીસે કાર્યવાહી કરી છે. પોલીસે 100 કલાકમાં 28 શંકાસ્પદ વ્યક્તિઓની યાદી તૈયાર કરી છે.
- Advertisement -
જુનાગઢ રેન્જ આઈજીપી નિલેશ જાજડીયા અને એસપી મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આગામી રમઝાન ઈદ અને રામનવમીના તહેવારોને ધ્યાનમાં રાખીને ઉમેજ, સનખડા અને ખાણ ગામમાં ગત સાંજે ફ્લેગ માર્ચ યોજવામાં આવ્યો હતો. આ ઉપરાંત ઉના પોલીસ ઈન્સપેક્ટર એમ.એન. રાણાની આગેવાની હેઠળ પોલીસ અને પીજીવીસીએલના સ્ટાફે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસે પાંચ શંકાસ્પદ વ્યક્તિઓના ઘરે દરોડા પાડ્યા હતા. આ લોકોમાં ઉમેજના ભગુભાઈ ઉકાભાઈ જાદવ અને દિપકભાઈ ઉકાભાઈ જાદવ, સનખડાના યોગેશભાઈ કરણાભાઈ રાઠોડ અને સતુભા કાળુભા ગોહિલ તેમજ ખાણના રસિક જીણાભાઈ બાંભણીયાનો સમાવેશ થાય છે. તપાસ દરમિયાન પોલીસે આ શંકાસ્પદોના રહેણાંક મકાનોના દસ્તાવેજો, વીજળી બિલ અને પાણીના કનેક્શનની વિગતોની ચકાસણી કરી હતી. કાયદેસરની પ્રક્રિયા મુજબ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.