90 લાખની ઉઘરાણી સામે જમીન લખાવી લીધી છતાં ધમકી આપી
પોસ્ટલ કર્મચારીએ 90 હજાર સામે સવા બે લાખ લઈ લીધા છતાં વધુ પૈસા માંગી મારકૂટ કરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
શહેરના કોઠારીયા રોડ ઉપર રહેતા દર્પણભાઇ હંસરાજભાઇ પાનસુરિયાએ અલ્પેશ દોંગા, ધમભા ગોહિલ, ગંભીરસિંહ રેવર સામે આજી ડેમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે કારખાનામાં મજૂરીકામ કરે છે અને પિતાને પ્લાસ્ટિકનો ધંધો હોય 2021માં તે ગણેશનગરમાં રહેતા હતા ત્યારે ઘર પાસે વ્યાજનો ધંધો કરતા અલ્પેશ સાથે પરિચય હોય ધંધા માટે પૈસાની જરૂર હોય તેની પાસેથી 10 લાખ વ્યાજે લીધા હતા અને તેના બદલામાં તેના પિતાના નામની લીલી સાજડિયાળી ગામની બે એકર જમીન વિજયભાઇ રામાણીના નામે લખાવી લીધી હતી. 2024માં પૈસા આપવાના હોય જે રૂપિયા વ્યાજ સહિત 25 લાખ આપવા પડશે તેમ કહેતા તેને સમજાવતા અલ્પેશએ 20 લાખ આપવાનું કહેતા તેને હા પાડી હતી ત્યાર બાદ પૈસાની સગવડતા થઇ ન હતી અને સગાં સંબંધી પાસેથી લીધેલા પૈસાનું પણ દેણું હોય જેથી ધમભા ગોહિલ પાસેથી 28 લાખ લીધા હતા અને તેના બદલામાં એક વર્ષે 35 લાખ આપવાનું નક્કી કર્યું હતું. તેમજ ગંભીરસિંહ રેવર પાસેથી 13 લાખ લીધા હતા અને ત્યાર બાદ તે પૈસા પરત માગતા હોય અને તેને 15 લાખ હાથ ઉછીના લીધાનું લખાણ પણ કરાવી લીધું હતું અને મારી પાસેથી ચેક પણ લીધો હતો દરમિયાન ધમભાના 35 લાખ, ગંભીરસિંહના 15 લાખ તેમજ ધમભાના ભત્રીજા રાજભાના 20 લાખ, તે કુલ 90 લાખમાં તેની જમીન આ લોકોને આપી દીધી હતી. જેમાં વહીવટ ધમભા પાસે હોય જમીન વેચી પૈસા લીધા હતા.
જેમાં રાજભા અને ગંભીરસિંહને પૈસા આ લોકોએ નહીં આપતા તેઓ મારી પાસે આવી પઠાણી ઉધરાણી કરતા હોય જેથી કંટાળી જઇ ફરિયાદ કરી હોવાનું જણાવતા પીઆઇ જાડેજા સહિતે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.
જ્યારે ભગવતીપરામાં રહેતા રિક્ષાચાલક ગોપાલભાઇ હિંમતભાઇ વધવા ઉ.31એ શિવનગરના રામ રાજપૂત સામે બી ડિવિઝન પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના મૂકબધિર બહેનને લોહી ઊડી જવાની બીમારી હોય સારવાર માટે રામ રાજપૂત પાસેથી રૂ.40 હજાર 17 ટકા વ્યાજે લીધા હતા ત્યારે રામ રાજપૂતે રૂ.6 હજાર વ્યાજ પેટે કાપી રૂ.34 હજાર આપ્યા હતા અને ગોપાલભાઇના ભાઇની માલિકીની રૂ.1 લાખની રિક્ષા પોતાના નામે લખાવી લીધી હતી અને તે રિક્ષા ભાડા પેટે ગોપાલભાઇને આપી વ્યાજ ઉપરાંત રિક્ષાના ભાડા પેટે પણ તેની પાસેથી દરરોજના રૂ.300 ઉઘરાવતો હતો. રિક્ષાના ભાડાના રૂ.6 હજારની ઉઘરાણી કરી વ્યાજખોર રામ રાજપૂતે રિક્ષા પડાવી પાડવાનો પ્રયાસ કર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ શહેરની સહકાર સોસાયટીમાં રહેતા અને સોનીકામ કરતાં દિપેશ જગદીશભાઇ બારભાયા ઉ.26એ વ્યાજખોર પોસ્ટલ કર્મચારી જતિન મેઘાણી અને તેના મિત્ર સામે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે,
કોરોના વખતે લોકડાઉનમાં નાણાંની જરૂરિયાત થતાં યુનિવર્સિટી રોડ પરની પોસ્ટ ઓફિસમાં નોકરી કરતાં જતિન મેઘાણી પાસેથી રૂ.20 હજાર 7 ટકા વ્યાજે લીધા હતા. ત્યારબાદ પુત્રની સ્કૂલ ફી ભરવા માટે રૂ.30 હજાર લીધા હતા, બાદમાં રૂ.40 હજાર તથા રૂ.20 હજાર વ્યાજે લીધા હતા, કુલ રૂ.90 હજાર કટકે કટકે વ્યાજે લીધા હતા. જેની સામે જતિન મેઘાણી પાસે દિપેશે રૂ.1.55 લાખના સોનાના ઘરેણાં ગીરવે મુક્યા હતા. દિપેશ બારભાયાએ રૂ.2,26,800 ચૂકવી દીધા હોવા છતાં જતિને વ્યાજની ઉઘરાણી શરૂ કરી ધમકી આપવાનું ચાલુ કર્યું હતું અને ગત તા.24 જૂનના જતિન અને તેના મિત્રએ દિપેશને રાષ્ટ્રીય શાળા પાસે બોલાવ્યો હતો અને ત્યાં ફરીથી નાણાંની પઠાણી ઉઘરાણી કરી દિપેશને ફડાકા ઝીંક્યા હતા અને ધમકી આપી હતી.
- Advertisement -