બેંક એકાઉન્ટો ફ્રિજ કરવા મામલે ત્રણ સામે પોલીસ ફરિયાદ
એ.એમ.ગોહિલ, તરલ ભટ્ટ અને દિપક જાની સસ્પેન્ડ થયાં બાદ ગુનો નોંધાયો
- Advertisement -
પોરબંદર ડીવાયએસપી ઋતુ અમરસિંહ રાબાને તપાસ સોંપાઈ
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ એસઓજી પોલીસ પીઆઇ અને એએસઆઈ દ્વારા ફ્રીજ કરેલું બેંક ખાતું અનફ્રીજ કરવા મામલે અરજદાર પાસેથી રૂ.25 લાખની માંગણી કરી હોવાનો આરોપ કાર્તિક જગદિશ ભંડારીએ લગાવ્યો હતો ત્યારે રેન્જ આઇજી નિલેશ જાંજડીયા દ્વારા ખાતાકીય તપાસ બાદ એસઓજી પીઆઇ એ.એમ.ગોહિલ અને એએસઆઈ દિપક જાનીને સસ્પેન્ડ કરી દવેમાં આવ્યા હતા ત્યારે વધુ તપાસમાં માણાવદર સીપીઆઈ તરલ ભટ્ટનું નામ ખુલતા તેને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવેલ અને ત્રણ સામે જૂનાગઢ બી.ડિવિઝન પોલીસમાં ગુનો દાખલ થતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
જૂનાગઢ એસઓજી પોલીસ દ્વારા ઓનલાઇન છેતરપિંડી કેસની તપાસ દરમિયાન 32 જેટલા શંકાસ્પદ ખાતા ફ્રિજ કર્યા હતા જેમાં એક અરજદાર કાર્તિક જગદિશ ભંડારીએ રેંજ આઇજીને ફરિયાદ કરી હતી ત્યારે પોલીસ તપાસ દરમિયાન સમગ્ર મામલો બહાર આવતા પીઆઇ, સીપીઆઇ અને એએસઆઈ ને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા અને ડીવાયએસપીના રીડર પીએસઆઇ એસ.એન.ગોહિલ દ્વારા બી.ડીવીઝન પોલીસમાં ત્રણ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
પોલીસમાંથી મળતી વિગત મુજબ એલ.સી.બી. જુનાગઢના પ્રોહી.-જુગાર ડ્રાઇવના મેસેજનો ખોટો આધાર લઇ ગેરકાયદેસરનું ખોટુ ગુપ્ત ઇનપુટ નં.08/2023, તા.17/11/2023 ઉભુ કરી ઘણી બધી બેંકોને સી.આર.પી.સી.કલમ-91 તથા 102 મુજબ ખોટી નોટીસો કાઢી ખોટું રેકર્ડ ઉભુ કરી તેનો સાચા તરીકે ઉપયોગ કરી બેંક એકાઉન્ટો ફ્રિજ કરાવી અરજદાર પાસેથી નાણા પડાવવા માટે તથા હાની પહોંચાડવાના ઇરાદાથી પોતાના રાજય સેવક તરીકેના હોદાનો દુરઉપયોગ કરી ખોટો દસ્તાવેજ બનાવી તેમજ અરજદાર કાર્તિક જગદિશ ભંડારીને ઇ.ડી.માં રીપોર્ટ કરવાની ધમકી આપી તેમજ કસુરદાર દિપકભાઇ જગજીવનભાઇ જાની આર્મ એએસઆઇ સાયબર ક્રાઇમ સેલ જુનાગઢ નાઓના પ્રાથમિક ઇન્કવાયરીમાં આપેલ નિવેદન મુજબ આ તમામ બેંક એકાઉન્ટો પી.આઇ.તરલ ભટ્ટ નાઓએ પોલીસ ઇન્સ્પેકટર એ.એમ.ગોહિલને આપેલ હતા તેમજ દિપક જગજીવનભાઇ જાની આર્મ એ.એસ.આઇ. સાયબર ક્રાઇમ સેલ દ્વારા અરજદાર પાસેથી રૂ.25 લાખની માંગણી કરેલ અને કહેલ કે અન્ય ખાતાધારકોએ રૂ.20-20 લાખ આપેલ છે અને તેમનું કામ થઇ ગયેલ છે. તેમ કહી અરજદાર પાસે નાણાની માંગણી કરેલ જેથી ઉપરોકત બંને પીઆઇ તથા પોલીસ કર્મચારી દ્વારા એકબીજાને મદદગારી કરી પુર્વનિયોજીત કાવતરું રચ્યાનું સામે આવતા ત્રણ સામે બી.ડીવીઝન પોલીસ સ્ટેશનમાં આઇપીસી કલમ 167, 465, 467, 471, 385, 389, 114, 120(બી) તથા ભષ્ટ્રાચાર નિવારણ અધિનીયમ-1988 (સુધારા 2018) એકટની ક-7, 12 મુજબ પીઆઇ એસ.એન.ગોહિલ દ્વારા ગુનો દાખલ કરીને તેની વધુ તપાસ પોરબંદર ડીવાયએસપી ઋતુ અમરસિંહ રાબા દ્વારા શરુ કરવામાં આવી છે.