જૂનાગઢ કડીયાવાડમાં ઘરે દારૂનો બાર શરુ કર્યો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.10
જૂનાગઢમાં એક શખ્સે પોતાના ઘરે જ દારૂનું બાર શરૂ કરી દીધું હતું પરંતુ પોલીસે સંચાલક સહિત મહેફિલ માણતા 10 શખ્સને ઝડપી લઈ 38 લીટર દારૂ સહિત 9480નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
શહેરના કડિયાવાડ વિસ્તારમાં રહેતો ધીરજ ઉર્ફે ધીરૂ દેવાભાઇ સોંદરવા પોતાના રહેણાક મકાનમાં દેશી પીવાના દારૂનું પીઠુ ખોલી દારૂ પીવા દારૂની વ્યવસ્થા કરી આપી, દારૂનું વેચાણ કરતો હોવાની ખાનગી બાતમી મળતા એ ડિવિઝનના પીઆઈ આર. કે. પરમારના માર્ગદર્શનમાં પીએસઆઇ વાય. એન. સોલંકી ડી બી. જોશીની ટીમે રાત્રે દરોડો પાડી ધીરજ ઉર્ફે ધીરૂને 38 લીટર દેશી દારૂ તથા દારૂ વેચાણના પૈસા સહિત રૂપિયા 9,480ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. તેમજ તેને ત્યાં દારૂની મહેફિલ માણી રહેલા અશ્વીન ચુનીલાલ ચંદવાણીયા, આનંદ દિનેશભાઈ મેહતા, પરેશ કાંતીલાલ ચુડાસમા, દિનેશ દાનાભાઈ પરમાર, રાજેશ ખાબાભાઈ કટારીયા, હેમંત કરશનભાઇ બગડા, હિતેષ મગનભાઈ પરમાર, મનોજ રવજીભાઇ પરમાર તથા પ્રવિણા વજશીભાઈ વાજાની કેફી પીણું પીધેલી હાલતમાં અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથધરી હતી.



