તરછોડાયેલી બાળકીની રક્ષક બની સુરત પોલીસ
ખાસ-ખબર ન્યૂઝ સુરત
- Advertisement -
સુરતના દેલાડવા ગામના રામજી મંદિર પાસે તળાવના કિનારે કડકડતી ઠંડીની રાતે તરછોડી દેવાયેલી એક નવજાત બાળકી આજે ’હસ્તી’ તરીકે નવી ઓળખ સાથે સુરક્ષિત જીવન તરફ આગળ વધી રહી છે. ભગવાનના આશરે છોડી ગયેલી આ બાળકી પર જાણે ઈશ્વરની કૃપા વરસી હોય તેમ તે હાલ સંપૂર્ણ સ્વસ્થ હોવાનું સામે આવ્યું છે. મંદિર નજીકથી રડવાનો અવાજ સંભળાતા સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક ડિંડોલી પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા જ ડિંડોલી પોલીસનો સ્ટાફ સ્થળ પર પહોંચ્યો હતો.
કહેવાય છે કે જેનું કોઈ નથી, તેનો ભગવાન હોય છે. આ પંક્તિ સુરતના દેલાડવા ગામમાં સાચી સાબિત થઈ છે. કડકડતી ઠંડીમાં લોહીના સગાંઓએ જે માસૂમ બાળકીને રામજી મંદિર પાસે તળાવ કિનારે તરછોડી દીધી હતી, તેને હવે પોલીસના રક્ષણ હેઠળ નવું જીવન અને નવી ઓળખ મળી છે.
ઠંડીમાં નિર્વસ્ત્ર અને નિરાધાર હાલતમાં પડેલી બાળકીની હાલત જોઈ પોલીસ કર્મચારીઓ પણ ભાવુક બની ગયા હતા. પોલીસે કોઈ વિલંબ કર્યા વગર બાળકીની સુરક્ષા અને સારવારને પ્રાથમિકતા આપીને તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. હોસ્પિટલમાં બાળકીની સારવાર દરમ્યાન ડિંડોલી પોલીસનો મહિલા સ્ટાફ ખાસ કરીને મહિલા પીએસઆઈ બાળકી પાસે પહોંચ્યા હતા.
માતૃત્વભાવથી બાળકીની સંભાળ લેતા દ્રશ્યો હોસ્પિટલમાં ભાવુક ક્ષણો સર્જી ગયા હતા. બાળકી સાથે વાતો કરવી, તેને થપકીઓ આપવી અને પોતાના સંતાનની જેમ પ્રેમ વરસાવતા પોલીસ સ્ટાફને જોઈને ત્યાં હાજર લોકોની આંખો પણ ભીની થઈ ગઈ હતી. ડિંડોલી પોલીસે આ નિરાધાર બાળકીનું નામ ’હસ્તી’ રાખવાનો સંવેદનશીલ નિર્ણય લીધો છે. હાલમાં હસ્તી અનાથ આશ્રમમાં સુરક્ષિત છે, પરંતુ ડીંડોલી પોલીસ તેની સાથે એક સ્વજનની જેમ જોડાયેલી છે.
આગામી રવિવારે હસ્તીની ’છઠ્ઠી’ની વિધિ ડીંડોલી પોલીસ દ્વારા ધામધૂમથી ઉજવવામાં આવશે. અનાથ આશ્રમમાં જઈને પોલીસ સ્ટાફ એક પરિવારની જેમ તમામ પરંપરાગત વિધિઓ પૂર્ણ કરશે. હસ્તીના ઉજ્જવળ ભવિષ્ય માટે બેન્ક એકાઉન્ટ ખોલાવવામાં આવશે, જેથી તે મોટી થઈને આત્મનિર્ભર બની શકે. આટલું જ નહીં, ડીંડોલી પોલીસ મથકના કર્મચારીઓ સ્વૈચ્છિક રીતે પોતપોતાની રીતે ફાળો આપી બાળકી માટે ભવિષ્ય નિધિ જમા કરાવશે. ડીંડોલી પોલીસે બાળકીની સંભાળ લઈ માનવતા, સંવેદના અને ફરજભાવનું જીવંત ઉદાહરણ પુરું પાડ્યું છે.
ઙજઈં મહિલાએ બાળકી પર માતૃત્વભાવથી વરસાવતા ભાવુક દૃશ્યો સર્જાયા
ડીંડોલી પોલીસે બાળકીની સંભાળ લઈ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. હોસ્પિટલમાં બાળકીની મુલાકાતે પહોંચેલા મહિલા પીએસઆઈ અને અન્ય મહિલા સ્ટાફે બાળકી પર માતૃત્વભાવથી પ્રેમ વરસાવ્યો. મહિલા પીએસઆઈ દ્વારા બાળકી પર માતૃત્વભાવથી વરસાવતા ભાવુક દૃશ્યો સર્જાયા હતા. એક પોલીસ અધિકારીની ફરજની સાથે-સાથે એક માતાનો પ્રેમ પણ અહીં જોવા મળ્યો હતો. ખુદ પોલીસ જ્યારે વાલી બને ત્યારે કેવા ભાવુક દૃશ્યો સર્જાય તેનું ઉદાહરણ ડીંડોલી પોલીસ મથકના સ્ટાફે પૂરું પાડ્યું છે.



