7 અસામાજીક તત્વોના ઘરના ગેરકાયદે વીજ જોડાણ કાપી નાખ્યા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.20
ધ્રાંગધ્રા શહેરમાં 50થી વધુ અસામાજીક તત્વોના ઘરે પોલીસે પીજીવીસીએલની ટીમને સાથે રાખી ચેકિંગની કામગીરી હાથ ધરી હતી. પોલીસ અધિકારીઓ દ્વારા સામાજિક તત્વોના ઘરે જઈને તપાસ કરાતા ગેરકાયદે વીજજોડાણ ધરાવતા 7 લોકો સામે પીજીવીસીએલની ટીમ દ્વારા વીજ જોડાણ કાપી નંખાયા હતા.
- Advertisement -
ગુજરાતમાં અસામાજિક ગુંડા તત્ત્વો પર કડક કાર્યવાહી કરીને તેમના પર અંકુશ મેળવવાના ઉદ્દેશ સાથે પોલીસવડા વિકાસ સહાયે તમામ પોલીસ કમિશનર, રેન્જ વડા અને પોલીસ અધિક્ષકોની સાથે વીડિયો-કોન્ફરન્સથી તાકીદની બેઠક યોજી અને સૂચના આપી હતી. વિકાસ સહાયે કહ્યું હતું કે 100 કલાકમાં ગુજરાતમાં જેટલાં પોલીસ સ્ટેશન છે ત્યાં સૂચના અપાઈ છે કે તેમના વિસ્તારમાં જે અસામાજિક ગુંડા તત્ત્વો છે તેમનું લિસ્ટ તૈયાર કરી કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટેની રૂપરેખા તૈયાર કરવી. જેમાં શરીર સંબંધી ગુનાઓમાં સંકળાયેલી વ્યક્તિઓ, ખંડણી ઉઘરાવવાના અને ધાકધમકી આપવાના ગુનાઓમાં સંડોવાયેલા, મિલકત સામેના ગુનાઓ આચરનારા, પ્રોહિબિશન અને જુગારનો ગેરકાયદે ધંધો કરતાં તત્ત્વો, ખનીજચોરી જેવા ગુનાઓમાં સંકળાયેલાં તથા અન્ય અસામાજિક કૃત્યો દ્વારા જનતામાં ભય ફેલાવનારા તત્ત્વોને આ યાદીમાં સામેલ કરવાનો આદેશ આપ્યો હતા. જેમાં જિલ્લા પોલીસવડા ડો.ગિરિશ પંડ્યા તથા ડીવાયએસપી જે.ડી. પુરોહિતની સૂચના મુજબ ધ્રાંગધ્રા શહેરમાં 50થી વધુ અસામાજીક તત્વોના ઘરે પીજીવીસીએલની ટીમ સાથે રાખી ચેકિંગની કામગીરી કરી હતી. ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડીવાયએસપી જે.ડી. પુરોહિત, પીઆઇ એમ.યુ. મશી સહિત પોલીસ અધિકારીઓ દ્વારા અસામાજિક તત્વોના ઘરે તપાસ કરાતા ગેરકાયદે વીજ જોડાણ ધરાવતા 7 લોકો સામે પીજીવીસીએલની ટીમ દ્વારા વીજ જોડાણ કાપી નખાયા હતા.