રાજ્યમાં ઇમરજન્સી માટે હોસ્પિટલ સજ્જ: ફેક ન્યૂઝ ફેલાવનારા 4 સામે FIR
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ભારત અને પાકિસ્તાન વચ્ચેની તણાવ ભરી સ્થિતિને લઈને હાલ ગુજરાત એલર્ટ મોડમાં છે. ત્યારે આજે વડાપ્રધાન મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચિત કરી સરહદ પર સર્જાયેલી વર્તમાન તણાવની સ્થિતિમાં ગુજરાતની સરહદી રાજ્ય તરીકેની સજ્જતા તથા રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલા આગોતરા આયોજનની વિગતો મેળવી હતી અને આ સંદર્ભમાં જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. ગાંધીનગરમાં આજે (9 મે, 2025) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નેતૃત્વમાં સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટરમાં બેઠક મળી હતી. મુખ્યમંત્રીએ પ્રવર્તમાન સ્થિતિમાં રાજ્ય સરકારના વિવિધ વિભાગોના વરિષ્ઠ સચિવો અને સંબંધિત જિલ્લાના વહીવટી વડા, પોલીસ તંત્ર વગેરે સાથે સમીક્ષા બેઠક કરી હતી. સુરક્ષાને ધ્યાને રાખીને ગુજરાતના સરહદી ગામોમાં સુરક્ષાદળોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ સાથે ભુજ એરપોર્ટને સેનાને હવાલે કરી દેવામાં આવ્યું છે. તો સોશિયલ મીડિયોમાં અફવા અને સેનાનું મનોબળ તૂટે ટેવી પોસ્ટ કરનારા ચાર લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ઇમર્જન્સીને પહોંચી વળવા રાજ્યના આરોગ્ય વિભાગ હસ્તકની આરોગ્યલક્ષી સેવાઓ સાથે સંકળાયેલા તમામ તબીબો, પેરામેડિકલ તથા અન્ય અધિકારી-કર્મચારીઓની માંદગી સિવાયની તમામ પ્રકારની રજાઓ રદ કરવામાં આવી છે. તેમની ફરજ પર તાત્કાલિક હાજર થવા આપ્યો છે. આ ઉપરાંત હેડક્વાર્ટર ન છોડવા આદેશ કરાયો છે.
આ સાથે આરોગ્ય વિભાગ દવાઓનો પૂરતો સ્ટોક, ડોકટરોની ટીમો, લાઈટ કટ થાય તો જનરેટરોની વ્યવસ્થા કરવા સહિતની સૂચનાઓ આપી દેવામાં આવી છે. ભારત-પાકિસ્તાનની યુદ્ધની સ્થિતિ વચ્ચે ગુજરાત સરકાર એક્શન મોડમાં આવી છે. સોશિયલ મીડિયાના માધ્યમથી ફેક ન્યૂઝ ફેલાવનારા સામે આકરા પગલા લીધા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, નાગરિકો કોઈ અફવા કે ફેક મેસેજ ઉપર ધ્યાન ન આપે. સાચી માહિતી જિલ્લા તંત્ર દ્વારા આપવામાં આવશે. સેનાનું મનોબળ તૂટે એવી સોશિયલ મીડિયા નેટવર્ક પર પોસ્ટ લખનાર 4 લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ગૃહ વિભાગ આવી પોસ્ટ કરનાર પર બાજ નજર રાખી રહ્યું છે.