31 ડિસેમ્બર ટાણે ચેકપોસ્ટ ઉપર દરોડો પાડતા વચેટિયો પકડાયો હતો
ખાસ-ખબર સંવાદદાતા
ઉના તોડકાંડ પ્રકરણના 53 દિવસ પછી પણ બચવાનો કોઇ વિકલ્પ નહિ મળતા કૌભાંડના સૂત્રધાર ઉના પીઆઇ સામેથી હાજર થતાં રાજકોટ ગ્રામ્ય એસીબીએ ધરપકડ કરી છે. અને વિશેષ પૂછપરછ કરવા રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.
ગત ડિસેમ્બર મહિનામાં અહેમદપુર-માંડવી ચેકપોસ્ટ પર ચેકિંગના નામે પોલીસ પૈસાના ઉઘરાણા કરી તોડ કરતા હોવાની ફરિયાદો ઊઠી હતી જે ફરિયાદને પગલે એસીબીની ટીમે તપાસ શરૂૂ કરી હતી. તપાસ દરમિયાન પોલીસ વતી ઉઘરાણા કરતો ઉનાનો ગેરેજ સંચાલક નિલેશ અભેસીંગ તડવી નામના શખ્સને પકડી પાડ્યો હતો. વચેટિયા તરીકેની ભૂમિકા ભજવનાર નિલેશ તડવીની પૂછપરછ બાદ તેનો મોબાઇલ તપાસતા ઉના પીઆઇ એન.કે.ગોસ્વામી અને એએસઆઇ નિલેશ મૈયા સાથે મોબાઇલમાં વહીવટ મુદ્દેની વાતચીતના રેકોર્ડિંગ મળ્યા હતા.
આમ ચેકપોસ્ટ પર ચેકિંગના નામે પ્રવાસીઓ પાસેથી તોડ કરવાના કૌભાંડનો પર્દાફાશ થતાં જૂનાગઢ ડીવાયએસપીએ ઉના પીઆઇ, એએસઆઇ અને વચેટિયા સામે ગીર સોમનાથ એસીબીમાં ગુનો નોંધાવ્યો હતો ગુનો નોંધાયા બાદ સમગ્ર તોડકાંડની તપાસ રાજકોટ ગ્રામ્ય એસીબીને સોંપાઇ હતી. તપાસ શરૂૂ થતાની સાથે જ ઉના પીઆઇ ગોસ્વામી અને એએસઆઇ મૈયાએ ધરપકડથી બચવા ભૂગર્ભમાં ઉતરી ગયા હતા અને કોર્ટના માધ્યમથી આગોતરા જામીન મેળવવા પ્રયાસો કર્યા હતા, પરંતુ પીઆઇ નિલેશ ગોસ્વામીને કોઇ સફળતા નહિ મળતા અંતે ગુરુવારે પીઆઇ ગોસ્વામી રાજકોટ ગ્રામ્ય એસીબીના પીઆઇ જે.એમ.આલ સમક્ષ હાજર થતા ધરપકડ કરી છે ફરાર એએસઆઇ નિલેશ મૈયાએ પણ ધરપકડથી બચવા કરેલી આગોતરા જામીન અરજી નામંજૂર થતા તેની ધરપકડનો માર્ગ પણ મોકળો થયો છે. અને તે પણ ગમે તે ઘડીએ એસીબી સમક્ષ હાજર થવાની સંભાવનાઓ સેવાઇ રહી છે.