પીઆઇ ગોહિલના 10 દિવસના રિમાન્ડની માગ કરાઇ હતી
ખાસ-ખબર ન્યૂઝ ટંકારા
- Advertisement -
ટંકારા પાસે હાઇવે પર આવેલી હોટલ કમ્ફર્ટમાં ગત વર્ષે બનેલા ચકચારી જુગાર તોડકાંડમાં ફરાર પીઆઈની એસએમસીએ આદિપુરથી ધરપકડ કર્યા બાદ તેઓને રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસે આટલા દિવસ બાદ ઝડપાયેલા આરોપીની પૂછપરછ માટે અદાલતમાં 10 દિવસના રિમાન્ડની માગણી કરી હતી, જો કે કોર્ટે સોમવાર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. ટંકારા પોલીસ મથકના તત્કાલિન પીઆઈ યુવરાજ કિશોરસિંહ ગોહિલ અને હેડ કોન્સ્ટેબલ મહિપત હરિસિંહ સોલંકી સહિતના પોલીસ કર્મીઓએ તા.24 ઓક્ટોબર 2024ની રાતે કમ્ફર્ટ રિસોર્ટના રૂમ નં.105માં ઘૂસી 8 લોકોને જુગાર કેસમાં પકડીને તોડ કર્યો હતો.
તેઓએ જુગારનો કેસ દાખલ નહીં કરવા, મીડિયામાં ફોટા નહીં આપવા, પોલીસ ફરિયાદમાં નામ ફેરવી નાખવા, સવારે જામીન આપી દેવાની અવેજીમાં 51 લાખ લીધા હોવાનું કહેવાય છે. આ કેસની તપાસ માટે એસએમસીની ટીમે પણ ઝુકાવ્યું હતું. જે બાદ તાજેતરમાં હેડ કોન્સ્ટેબલ મહિપત સોલંકીએ સરેન્ડર કર્યું હતું.