બેડીનાકા-પ્રદ્યુમનનગર સબ ડિવિઝનના વિસ્તારોમાં 44 ટીમના ચેકિંગથી વીજચોરોમાં ફફડાટ
બે દિવસમાં 43 લાખની વીજચોરી ઝડપી પાડતું PGVCL
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જૂન મહિના બાદ જુલાઈ મહિનાની શરૂઆત થતા ત્રીજા સપ્તાહની શરૂઆતથી પીજીવીસીએલ દ્વારા દરોડા કામગીરી શરૂ કરવામાં આવી છે. આજે ફરી રાજકોટ શહેરમાં સતત ત્રીજા દિવસે વહેલી સવારથી પીજીવીસીએલની કોર્પોરેટ ટીમ દ્વારા રાજકોટ સિટી સર્કલ ડિવિઝન 2 હેઠળ બેડીનાકા અને પ્રદ્યુમનનગર સબ ડિવિઝનના વિસ્તારમાં અલગ અલગ 44 ટીમ દ્વારા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, બે દિવસમાં 1738 કનેક્શન ચેક કરી 208 ક્નેક્શનમાંથી 42.82 લાખની વીજ ચોરી ઝડપી પાડવામાં આવી છે.
રાજકોટ શહેરી વિસ્તારમાં વીજ ચેકિંગ અંગે સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. જૂન મહિના બાદ જુલાઈ મહિનાની શરૂઆત થતા ત્રીજા સપ્તાહની શરૂઆત થતાની સાથે જ રાજકોટ શહેરી વિસ્તારમાં વહેલી સવારથી આજે સતત ત્રીજા દિવસે અલગ અલગ 44 ટીમ દ્વારા મોમીન સોસાયટી, રાજીવનગર, બજરંગવાડી, ભોમેશ્વર, વાવડી, નહેરૂનગર, ભક્તિનગર અને શ્યામનગર સહિતના વિસ્તારમાં વીજ ચોરી ઝડપી પાડવા કવાયત શરૂ કરવામાં આવી છે. જેમાં કુલ 4 ફીડર આવરી લેવામાં આવ્યા છે. આજની ચેકિંગ ડ્રાઈવમાં કુલ 4 વીડિયો ગ્રાફર, 15 લોકલ પોલીસ, નિવૃત આર્મીમેન 20 અને 15 એસઆરપીનો સમાવેશ કરવામાં આવ્યો છે. છેલ્લા બે દિવસમાં 1738 કનેક્શન ચેક કરી 208 ક્નેક્શનમાંથી 42.82 લાખની વીજ ચોરી ઝડપી પાડવામાં આવી છે. જેમાં પ્રથમ દિવસે 896 કનેક્શન ચેક કરી 107 ક્નેક્શનમાંથી 25.57 લાખની અને ગઈકાલે બીજા દિવસે 842 કનેક્શન ચેક કરી 101 ક્નેક્શનમાંથી 17.25 લાખની વીજચોરી ઝડપી પાડવામાં આવી છે.