દેશભરનાં 650 જિલ્લામાંથી જૂનાગઢ 19માં સ્થાને
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ જિલ્લાએ વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. ભારત સરકારના શિક્ષણ વિભાગ હેઠળના શાળા, શિક્ષણ અને સાક્ષરતા વિભાગ દ્વારા પરફોર્મન્સ ગ્રેડિંગ ઈન્ડેક્ષ રિપોર્ટ-(પીજીઆઇ) જાહેર કરાયો છે. જેમાં જૂનાગઢ જિલ્લાએ સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરવાની સાથે દેશભરના 650 જિલ્લાઓમાંથી 19મું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ રિપોર્ટ અધ્યયન નિષ્પતિ અને ગુણવત્તા, શિક્ષક પ્રાપ્તત્તા, વ્યવસાયિક વિકાસ નિષ્પતિ, લર્નિંગ મેનેજમેન્ટ, અધ્યય સંવર્ધન પ્રવૃતિઓ, આંતરમાળખાકિય સુવિધાઓ, વિદ્યાર્થી અધિકારો, શાળા સુરક્ષા અને બાળ સુરક્ષા, ડીઝીટલ લર્નિંગ, હાજરી બાબતે દેખરેખ માટેની સિસ્ટમ સહિતના માપદંડોના આધારે તૈયાર કરવામાં આવ્યો છે. પરફોર્મન્સ ગ્રેડિંગ ઈન્ડેક્સનુ નિર્માણ ચોક્કસ સૂચકાંકો અને ડોમેન્સના આધારે કરવામાં આવ્યું છે. આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ. ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, જાહેર થયેલ પરર્ફોર્મન્સ ગ્રેડિંગ ઇન્ડેક્સ રિપોર્ટમાં જિલ્લાએ કુલ 600 ગુણમાંથી 447 ગુણ મેળવ્યા છે. રાજ્યમાં પ્રથમ અને દેશમાં 19માં ક્રમે જૂનાગઢ જિલ્લો આવ્યો છે.