જવાબદાર કે કસૂરવાર વિરૂદ્ધ પગલાં લેવા માંગણી
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢમાં ગયા મહિને કડિયાવાડ વિસ્તારમાં એક બિલ્ડીંગ ધરાશાયી થવાની દુર્ઘટનામાં એક પિતા અને તેના બે બાળકોના કરૂણ મોત નિપજ્યા હતા. જેને પગલે પીડીત પરિવારજનોએ આ સમગ્ર પ્રકરણમાં જે કોઇ જવાબદાર હોય તેમની વિરૂઘ્ધમાં પગલા નહી લેવાના ગુજરાત હાઇકોર્ટમાં રીટ અરજી દાખલ કરી છે. જેની સુનાવણી આગામી સપ્તાહમાં થવાની શકયતા છે. આ સમગ્ર બનાવ નજરે જોનાર માતાએ પણ આ કારમો આઘાત સહન નહી થતા એસિડ પીને જીવન ટુંકાવી લીધુ હતુ. અનુસુચિત જાતિના એક જ પરિવારના ચાર સભ્યોના આ પ્રકારે મોતના સમગ્ર બનાવ અંગે પિડીત પરિજનો તરફથી જૂનાગઢના મેયર, ડે.મેયર, મ્યુ.કમિશ્નર અને જૂનાગઢ કલેકટર સહિતના સબંધિત સત્તાવાળાઓને આવેદનપત્ર પાઠવી આ સમગ્ર દુર્ઘટનાના પાછળ જે કોઇ જવાબદારો કે કસૂરવારો હોય તેઓની વિરૂઘ્ધ કાયદેસર પગલા લેવા અને તેઓની વિરૂઘ્ધ આઇપીસીની કલમ 304,306 સહિતની કલમો હેઠળ ગુનો નોંધવા બાબતે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. વારંવાર રજૂઆત અને માંગણી છતા સત્તાવાળાઓ દ્વારા આ મામલે કોઇ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી કે કોઇ સામે પગલા લેવાયા નથી તેથી અરજદારોને નાછુટકે હાઇકોર્ટના દ્વાર ખખડાવાની ફરજ પડી છે.