હુકમ ન થાય ત્યાં સુધી બંને પેઢીઓને કોઈ પ્રવૃત્તિ ન કરવા સૂચના અપાઈ
ખાસ-ખબર સંવાદદાતા
શહેરના આજી ડેમ પાસે આશા ફુડ નામની પેઢી ખાતે તાજેતરમાં મનપાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જ્યાંથી મોટી માત્રામાં ફૂગવાળા ચણા, દાબેલા ચણાનો જથ્થો ઝડપાયો હતો ત્યારે લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતી આ પેઢીને સીલ કરવામાં આવી છે.
કલ્પેશ ટ્રેડર્સ અને જે.કે. સેલ્સ, આશા ફૂડ નામની ફેકટરીમાં દરોડા પાડતાં ફૂગવાળા ચણા 1 ટન, શંખજીરૂ 220 કિલો, દાબેલા ચણા 4 ટનનો જથ્થો ઝડપાયો હતો ત્યારબાદ નાયબ કમિશનર અનિલ ધામેલિયા (આઈએએસ)ના હુકમ અન્વયે જાહેર આરોગ્યને નુકસાનકર્તા પ્રવૃત્તિ અટકાવવા ધી જીપીએમસી એક્ટ 1949ની કલમ 376-એ મુજબ રાજકોટ મહાનગરપાલિકાના ફૂડસેફ્ટી ઓફિસર કે. જે. સરવૈયા, ફૂડ સેફ્ટી ઓફિસર કે. એમ. રાઠોડ, ફૂડ સેફટી ઓફિસર સી. ડી. વાઘેલા તથા ફૂડ સેફ્ટી ઓફિસર આર. આર. પરમાર દ્વારા ફૂડ વિભાગની ટીમ સાથે દિનદયાળ ઈન્ડ. એરિયા, શેરી નં. 6, આજી ડેમ ચોકડી પાસે રાજકોટ ખાતે આવેલી જીતેન્દ્રભાઈ ગુપ્તાની (કલ્પેશભાઈ બડોખરીયાની) ખાદ્ય ચીજોની ઉત્પાદક પેઢી જે. કે. સેલ્સ (કલ્પેશ ટ્રેડર્સ)ને તા. 24-1-2024ના રોજ ફૂડ બિઝનેશ ઓપરેટર પેઢીના માલિકની હાજરીમાં સીલ કરવામાં આવી છે.
તેમજ અજયભાઈ છેદીલાલ ગુપ્તાની ખાદ્ય ચીજોની ઉત્પાદક પેઢી આશા ફૂડ્સને તા. 24-1-24ના રોજ ફૂડ બિઝનેશ ઓપરેટર પેઢીના માલિકની હાજરીમાં સીલ કરવામાં આવી છે તેમજ આગામી હુકમ ન થાય ત્યાં સુધી સીલ યથાવત રાખવા તેમજ પેઢીને કોઈ પ્રવૃત્તિ ન કરવા આ બંને કંપનીને સૂચના આપવામાં આવી છે.