રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પોલીસનું સરપ્રાઈઝ ચેકિંગ
અસામાજિક તત્ત્વોનો જમાવડો અને નશાખોરીની પ્રવૃત્તિઓ ડામવા પ્રદ્યુમનનગર પોલીસની કાર્યવાહી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી એકવાર ચર્ચામાં આવી છે. હોસ્પિટલના પટાંગણમાં અને વોર્ડની આસપાસ અસામાજિક તત્વોનો જમાવડો અને નશાખોરીની પ્રવૃત્તિઓ સતત વધી રહી છે. ત્યારે આવી ગેરકાયદેસર પ્રવૃતિઓ બંધ કરાવવા માટે રોગી કલ્યાણ સમિતિના સભ્ય રાજાભાઈ ચાવડા દ્વારા પ્રદ્યુમ્નનગર પોલીસને રજુઆત કરવામાં આવી હતી. જેને લઈને આજરોજ પ્રદ્યુમ્નનગર પોલીસ દ્વારા ઓચિંતું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં બિનજરૂરી રીતે અહીં પડ્યા પાથર્યા રહેતા શખ્સોને શોધીને બહાર કાઢવામાં આવ્યા હતાં. પોલીસની આ કાર્યવાહીથી અસામાજીક તત્વોમાં ફફડાટ ફેલાયો છે. સિવિલ હોસ્પિટલમાં લાંબા સમયથી એવી ફરિયાદો ઉઠી રહી હતી કે અહીં કેટલાક શખ્સો દારૂ અને ગાંજા જેવા નશાની હાલતમાં રખડતા હોય છે. આ શખ્સો માત્ર હોસ્પિટલના વાતાવરણને જ નથી બગાડતા, પરંતુ દર્દીઓ અને તેમના સગાઓની સુરક્ષા સામે પણ પ્રશ્ર્નાર્થ ચિન્હ ઉભો કરે છે.
રોગી કલ્યાણ સમિતિના સભ્ય રાજાભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, તેમને અવારનવાર લોકફરિયાદો મળી રહી હતી કે હોસ્પિટલ પરિસરમાં એવા લોકો પણ વસવાટ કરે છે જેઓ દર્દીના સગા નથી. આ અસામાજિક તત્વો દ્વારા દર્દીઓના સગાઓ સાથે ઘર્ષણ થવાની અને નશાની હાલતમાં નકામો હોબાળો મચાવવાની ઘટનાઓ પણ બનતી હોય છે. રાજાભાઈએ જણાવ્યું હતું કે, આવી પરિસ્થિતિની ગંભીરતાને સમજીને તેમણે રાજકોટના પ્રદ્યુમ્નનગર પોલીસ મથકના ઙઈંને જાણ કરી હતી. અને હોસ્પિટલમાં તાત્કાલિક સરપ્રાઈઝ ચેકિંગની માંગ કરી હતી. જેથી શંકાસ્પદ તત્વોને પકડી શકાય. તેમની આ રજૂઆતને ધ્યાનમાં રાખીને પોલીસ કાફલો સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો. પોલીસે હોસ્પિટલના દરેક ખૂણા, પાર્કિંગ એરિયા અને વોર્ડની આસપાસના વિસ્તારોમાં તપાસ હાથ ધરી હતી. જે લોકો પાસે હોસ્પિટલના પાસ નહોતા અથવા જેઓ દર્દીના સગા હોવાનું સાબિત ન કરી શક્યા, તેવા તમામ બિનજરૂરી લોકોને હોસ્પિટલ પરિસરની બહાર કાઢવામાં આવ્યા હતા.
પોલીસના સરપ્રાઈઝ ચેકિંગથી અસામાજિક તત્ત્વોમાં ફફડાટ
- Advertisement -
ઉલ્લેખનીય છે કે, સિવિલ હોસ્પિટલમાં આવતા ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને કોઈ અગવડ ન પડે અને તેઓ સુરક્ષિત વાતાવરણમાં સારવાર લઈ શકે તે હેતુથી આ કાર્યવાહી ખૂબ જ જરૂરી હતી. પોલીસના સરપ્રાઈઝ ચેકિંગથી અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે. જોકે સ્થાનિક લોકોનું માનવું છે કે આવી તપાસ સમયાંતરે થતી રહેવી જોઈએ. હોસ્પિટલ પ્રશાસને પણ પોતાની સિક્યુરિટી વ્યવસ્થા વધુ મજબૂત કરવી પડશે જેથી નશાખોરો અને રખડતા તત્વો હોસ્પિટલમાં પ્રવેશતા અટકી શકે.
પહેલાં પણ દારૂની ખાલી બોટલો મળી હતી
અગાઉ પણ સિવિલ હોસ્પિટલમાંથી દારૂની ખાલી બોટલો મળી આવવાની ઘટનાઓ બની ચૂકી છે. તે સમયે ચાવડાએ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ, છખઘ અને સિક્યુરિટી ઇન્ચાર્જને આ બાબતે લેખિત અને મૌખિક રજૂઆતો કરી હતી. હોસ્પિટલની સુરક્ષા માટે જવાબદાર એજન્સીની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે. અગાઉ આ મુદ્દે એક તપાસ સમિતિની પણ રચના કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી તેનો કોઈ સત્તાવાર રિપોર્ટ સામે આવ્યો નથી. આ અંગે રાજાભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે તેઓ આગામી દિવસોમાં આ તપાસ સમિતિના રિપોર્ટ બાબતે પણ પૃચ્છા કરશે અને હોસ્પિટલના સત્તાધીશો પાસે જવાબ માંગશે.



