ગાંધીજયંતી નિમિત્તે નાગપુરમાં સ્વચ્છ ભારત અભિયાન હેઠળ રાખવામાં આવેલા કાર્યક્રમમાં નીતિન ગડકરીએ કર્યુ સૂચન
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.3
નાગપુર મહાનગરપાલિકાએ ગઈ કાલે રાખેલા સ્વચ્છ ભારત અભિયાન કાર્યક્રમમાં કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ સૂચન કર્યું હતું કે ‘જે લોકો પાનમસાલા ખાઈને રસ્તા પર થૂંકતા હોય છે તેમના ફોટો પાડીને લોકોને બતાવવા માટે એ ફોટો અખબારોમાં પ્રકાશિત કરવા જોઈએ. મહાત્મા ગાંધીએ પણ આ પ્રયોગ કર્યો હતો.’ ત્યાર બાદ નીતિન ગડકરીએ પોતે પણ ભૂતકાળમાં કારમાંથી ચોકલેટનું રેપર બહાર ફેંક્યું હોવાનું કબૂલ્યું હતું. જોકે તેમણે કહ્યું હતું કે ભૂતકાળમાં તેમને આ આદત હતી, પણ હવે જયારે તેઓ ચોકલેટ ખાય છે ત્યારે એનું રેપર ઘરે લઈ આવીને ડસ્ટબિનમાં નાખે છે.
- Advertisement -
ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે આયોજિત આ કાર્યક્રમમાં રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવેઝ મિનિસ્ટરે કહ્યું હતું કે આપણા લોકો બહુ જ સ્માર્ટ છે. ચોકલેટ ખાઈને તરત જ રેપર ફેંકી દેતા હોય છે. જોકે આ જ લોકો જયારે વિદેશમાં જાય છે ત્યારે ચોકલેટ ખાઈને એનું રેપર પોતાના ખિસ્સામાં મૂકી દેતા હોય છે. ત્યાં તેમનું વર્તન એકદમ અલગ અને સારું હોય છે.