મુખ્ય બજારમાં રખડતા પશુઓના યુધ્ધમાં અનેક રાહદારીઓ ઇજા પામે છે
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.5
ગુજરાત હાઇકોર્ટના સ્પષ્ટ આદેશ છતાં હજુય મેગા સિટી મુખ્ય રસ્તાઓ પર રખડતા ઢોર નજરે પડે છે ત્યારે આ પ્રકારે રખડતા ઢોરના ત્રાસ અંગે જો કોઈ રજૂઆત કરે તો એકાદ બે દિવસ તંત્ર આ રખડતા ધોરણે પાંજરે પુરવાની કામગીરી દર્શાવે છે જે બાદ સ્થિતિ પહેલાની માફક થઈ જાય છે ત્યારે ધ્રાંગધ્રા શહેરના મુખ્ય રસ્તા પર પણ રખડતાં ઢોરોનો ત્રાસ દિવસેને દિવસે વધતો નજરે પડી રહ્યો છે. જેમાં હાઇવે હોય કે શહેરની મુખ્ય બજારો જેમાં રખડતા પશુઓના લીધે રાહદારીઓને હેરાન થવાનો વારો આવે છે તેવામાં ક્યારેક આ પશુઓના યુધ્ધમાં બિચારા રાહદારીઓ પણ ભોગ બને છે.
- Advertisement -
જેમાં પશુઓ યુધ્ધ કરતા રસ્તા પરથી ચાલ્યા જતા કોઈ રાહદારીને શિંઘડે ચડાવતા રાહદારીઓ ઇજાગ્રસ્ત થાય છે. આ પ્રકારની સ્થિતિ છેલ્લા કેટલાક સમયથી છે જેમાં ચોમાસાની સીઝનમાં શહેરની બહાર કાદવ કીચડનું વાતાવરણ હોવાના લીધે રખડતા પશુઓ શહેરી વિસ્તાર તરફ વિહાર કરે છે અને આ સમયે રાહદારીઓને આ પશુઓના લીધે ખુબજ મુશ્કેલી સહન કરવી પડે છે ત્યારે ધ્રાંગધ્રા શહેરના રોડ અને મુખ્ય બજારો પર અડિંગો જમાવી બેઠેલા રખડતા પશુઓને રાહદારીઓની સલામતી માટે પાંજરે પુરવાની કામગીરી હાથ ધરાય તેવી લોકમાંગ ઉઠવા પામી છે.