ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે કુકી-ઝો કાઉન્સિલે આજે રાષ્ટ્રીય ધોરીમાર્ગ-2 ને મુસાફરો અને આવશ્યક ચીજવસ્તુઓની મુક્ત અવરજવર માટે ખોલવાનો નિર્ણય લીધો છે.
કોમી રમખાણનો ભોગ બનેલા મણિપુરમાં લાંબા સમય પછી શાંતિનો સૂરજ ઉગ્યો છે. મણિપુરના બે જાણીતા સંગઠન કુકી-ઝો ગુ્રપે ગુરુવારે કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય સાથે મણિપુરની અખંડતા જાળવી રાખવા સાથ રાજ્યમાં શાંતિ અને સ્થિરતા લાવવા માટેના કરાર કર્યા છે. તેના પગલે મણિપુરની દૈનિક જરૂરિયાતો પૂરી કરવા માટે તેની ધોરી નસ સમાન કહેવાતો નેશનલ હાઇવે-ટુ ખૂલ્યો છે.
- Advertisement -
કુકી નેશનલ ઓર્ગેનાઇઝેશન (કેએનઓ) અને યુનાઇટેડ પીપલ્સ ફ્રન્ટ (યુપીએફ) બંનેએ કેન્દ્રના શાંતિ પ્રયત્નોનો હકારાત્મક પ્રતિભાવ આપ્યો છે. તેઓ તેમના શસ્ત્રો કેન્દ્રીય દળો અને બીએસએફને સોંપી દેવા તૈયાર થયા છે. તેની સાથે કેન્દ્રીય દળોની સાથે મળીને આ વિસ્તારમાં શાંતિ અને સ્થિરતા જાળવવાની ખાતરી આપી છે. તેની સાથે કેન્દ્રએ પણ તેમના વિસ્તારોમાં આવીને રહેતા વિદેશી તત્વોને ઓળખીને ત્યાંથી બહાર કાઢવાની ખાતરી આપી છે અને તેમા તેઓનો સહયોગ પણ માંગ્યો છે.
આના પગલે આગામી સપ્તાહમાં તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મણિપુરની મુલાકાતે પણ જાય તેમ માનવામાં આવે છે. જો કે આ શાંતિ કંઈ રાતોરાત સ્થપાઈ નથી. કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને કુકીઓના આ બંને મોટા સંગઠન વચ્ચે શ્રેણીબદ્ધ બેઠકો પછી શાંતિ સ્થાપવાનો માર્ગ મોકળો થયો છે. મણિપુરમાં ત્રીજી મે 2023થી વંશીય હિંસા જારી છે. બહુમતી મેતૈઇ કમ્યુનિટીએ શેડયુલ્ડ ટ્રાઇબ (એસટી)નો દરજ્જો માંગતા તેના વિરોધમાં થયેલી કૂચ પછી આ હિંસા ફાટી નીકળી હતી. આ હિંસામાં અત્યાર સુધી કુકી અને મૈતેઈની સાથે સુરક્ષા દળો સહિત 260ના મોત થયા છે.
ગૃહ મંત્રાલયે જારી કરેલા નિવેદનમાં જણાવાયું છે કે કુકી-જો કાઉન્સિલે ભારત સરકાર તરફથી જારી સુરક્ષા દળો સાથે મળીને નેશનલ હાઇવે-ટુ પર શાંતિ જાળવી રાખવાનું વચન આપ્યું છે. આના કારણે મણિપુરના લોકોને હવે તેમની દૈનિક જરૂરિયાતો પૂરી કરવામાં મદદ મળશે. મે ૨૦૨૩થી મૈતેઈ-કુકી તનાવના કારણે આ રસ્તા પર આવાગમન ઠપ્પ હતું. આ તનાવના લીધે હજારો લોકો બેઘર થઈ ગયા હતા અને રાહત શિબિરોમાં રહેવાની ફરજ પડી હતી. હવે શાંતિ સ્થપાતા તેઓના પુર્નવસવાટ પર પણ ધ્યાન કેન્દ્રિત કરાશે.
- Advertisement -
અહીં ગૃહ મંત્રાલય, મણિપુર સરકાર અને કુકી નેશનલ ઓર્ગેનાઇઝેશન તથા યુનાઇટેડ પીપલ્સ ફ્રન્ટ વચ્ચે ત્રિપક્ષીય સમજૂતી પણ થઈ છે. તેના સસ્પેન્શન ઓફ ઓપરેશન્સ (એસઓએસ) કહેવાય છે. તે એક વર્ષ માટે અમલી રહેશે. તેમા મણિપુરની પ્રાદેશિક અખંડિતતા જાળવી રાખીને શાંતિ રાખવા તથા મંત્રણા દ્વારા હલ કાઢવા પર ભાર મૂકવામાં આવ્યો છે.