કલેકટર, મામલતદાર અને RUDAના CEOને રજૂઆત છતાં કશું જ વળતું નથી
ખેતીની જમીનમાં શરતભંગ કરીને બિનખેતી કર્યાં વગર ખુલ્લેઆમ ચાલતી કમર્શિયલ પ્રવૃત્તિ
કેટલાંક પાર્ટી પ્લોટમાં તો ખેતીનું જ વીજ કનેકશન વપરાતું હોવાની વિગતો બહાર આવી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.31
- Advertisement -
રાજકોટને આખા ગુજરાતમાં જમીન કૌભાંડોના અને જમીન-મહેસૂલને લગતી ગેરરીતિઓના ગઢ તરીકે ઓળખવામાં આવે છે. અહીં વોર્ડવાઈઝ ગણીએ તો સેંકડો અને શહેરમાં હજારો જમીન કૌભાંડો થઈ રહ્યાં છે. આવી જ ગેરરીતિ અને લોલંલોલ પાર્ટી પ્લોટ બાબતે પણ ચાલી રહી હોવાનું બહાર આવ્યું છે. રાજકોટ કલેકટર, રૂડાના ચીફ ઍક્ઝિક્યુટિવ ઑફિસર અને લોધિકા મામલતદારને એક અરજી દ્વારા જાગૃત નાગરિક ગિરિશ વાણિયાએ આ બાબતે સ્ફોટક માહિતી આપીને તપાસ માગી છે. લોધિકા તાલુકાના પાળ, જસવંતપુર અને ઢોલરામાં આવેલા પાર્ટી પ્લોટ્સના માલીકોએ ખરાબાની જમીનો દબાવી હોવાનું અને ખેતીની જમીનમાં શરતભંગ કરી વ્યાપારી પ્રવૃત્તિ થતી હોવાનું તેમણે જણાવ્યું છે.
તેમણે કરેલી અરજી આ મુજબ છે: સવિનય સાથ જાહેર જનતા વતી આપ સાહેબશ્રીને જણાવવાનું કે રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકાના પાળ, જસવંતપુર અને ઢોલરા ગામમાં ચાલતા પાર્ટી પ્લોટમાં કોઈ પણ જાતના સરકારી કે જાહેર હિતના નિયમોનું પાલન થતું નથી, મોટાભાગના પાર્ટી પ્લોટ 50%થી વધારે સરકારી ખરાબા અને સરકારી ગૌચરની જમીન ઉપર બનાવવામાં આવેલા છે, મોટાભાગના પાર્ટી પ્લોટોમાં બિનખેતી થયેલી નથી તેમજ આ ઘણા પાર્ટી પ્લોટ્સમાં ફાયર એન.ઓ.સી. લેવામાં આવ્યા નથી તેમજ ઈલેકટ્રીક લાયસન્સ લેવામાં આવ્યા નથી. ડ્રેનેજ કનેકશન લેવામાં આવેલા નથી. ઘણા બધા પાર્ટી પ્લોટ્સમાં ગેરકાયદે બાંધકામ કરવામાં આવેલ છે તેમજ સરકારી જમીનમાં ગેરકાયદે રસ્તાઓ બનાવવામાં આવેલા છે. આ પાર્ટી પ્લોટ્સ ત્રણથી ચાર વર્ષથી ગેરકાયદે રીતે કામ ચાલે છે, આ બાબતે અવારનવાર રજૂઆતો તેમજ ફરિયાદો કરવા છતાં આ બાબતે કોઈ પણ જાતના અસરકારક પગલાં લેવામાં આવેલા નથી.
હાલમાં રાજકોટમાં બનેલા ટી.આર.પી. ગેમઝોનની આગની દુર્ઘટના બાદ ઉપરોક્ત પાર્ટી પ્લોટોમાંથી અમુક પાર્ટી પ્લોટોને ફકત સીલ મારીને જ સંતોષ માનવામાં આવી રહ્યો છે. ઉપરોક્ત પાર્ટી પ્લોટ માલીકો દ્વારા ફાયરસેફ્ટી એન.ઓ.સી. તેમજ ઈલેકટ્રીક કનેકશન તેમજ ડ્રેનેજ કનેકશન તેમજ જરૂરી લાયસન્સો મેળવ્યા વગર ત્રણ વર્ષ સુધી સરકારી જમીનમાં ગેરકાયદે રીતે દબાણ કરી સરકારી જમીનનો ગેરઉપયોગ કરેલું છે. હજારો લોકોના જાનના જોખમે કરોડો રૂપિયાનો વેપલો કર્યો છે, જે બાબતે આ લોકોની સામે કોઈ ગુનો દાખલ કરવામાં આવેલો નથી કે કોઈ શરતભંગના પગલાંઓ લેવામાં આવેલા નથી. માલીકોએ ક્યારેય પણ કોઈ પણ પ્રકારના લાયસન્સ કે મંજૂરીઓ લીધેલી છે કે નહીં તે બાબતે ચેકીંગ કરવામાં આવ્યું નથી. આ બાબતે દિવસ-7માં તમામ જાતની તપાસ કરી તમામ જવાબદાર વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી ગુનો દાખલ કરી ગેરકાયદે બાંધકામો દૂર કરી અને તમામ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી જાહેર જનતાજોગ આપ સાહેબશ્રીને માનસર નમ્ર અરજ છે.
- Advertisement -
શરતભંગની કાર્યવાહી જરૂર પડ્યે હાથ ધરાશે: મામલતદાર
પાળ, ઢોલરા અને જસવંતપુરમાં નિયમો વિરુદ્ધ ધમધમતાં પાર્ટી પ્લોટ્સ અંગે લોધિકાના મામલતદાર ડી. એન. ભાડએ ‘ખાસ-ખબર’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ‘આ મામલે સર્કલ ઑફિસરને સૂચના આપી દીધી છે. તેમણે સ્થળ તપાસ પણ કરી છે અને શરતભંગની કાર્યવાહી પણ જરૂર પડ્યે હાથ ધરાશે.’ મામલતદારે જણાવ્યું હતું કે, પાર્ટી પ્લોટધારકોને જરૂરી ડોક્યુમેન્ટ્સ રજૂ કરવા સૂચનાઓ પણ અપાઈ ગઈ છે.