ગાયત્રી યજ્ઞ, સમૂહ વિષ્ણુ સહસ્ત્ર સ્તોત્ર, ભગવાન પરશુરામનો મહિમા સહિતના કાર્યક્રમો યોજાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.6
- Advertisement -
ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર મૃત્યુથી પર એવા ચિરંજીવી આપણા સહુના આરાધ્ય પરશુરામ દાદા સમગ્ર માનવજાતના કલ્યાણ માટે સમર્પિત રહ્યા હતા. તેજના પ્રતિક સમાન એવા પરશુરામ દાદાની જન્મજયંતી નિમિત્તે સમગ્ર બ્રહ્મ ઊર્જાનું કેન્દ્ર અને બ્રાહ્મણોની આસ્થાનું પ્રતિક સમાન પરશુરામ ધામ- લીંબડી ખાતે આવેલું છે જ્યાં પરશુરામ દાદાનું ભવ્ય મંદિર તેમજ 22 ફૂટની પરશુરામ દાદાની પ્રતિમા આવેલી છે તેમજ આ ભવ્ય મંદિર તેમજ સંકુલ ખાતે આગામી તા. 10 ને શુક્રવારના રોજ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. ટ્રસ્ટના સભ્યો તેમજ સભ્યો દ્વારા તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યા છે.
તા. 10-5-2024 શુક્રવારના સવારે 8-45થી 11-00 કલાક સુધી ગાયત્રી યજ્ઞ, સમુહ વિષ્ણુ સહસ્ત્ર સ્તોત્ર સવારે 11-00થી 11-30, ભગવાન પરશુરામનો મહિમા 11-30થી 11-50 (ભારતીબેન ત્રિવેદી રાજકોટ), પરશુરામ દાદાની મહાઆરતી 11-50થી 12-00 (સંસ્થા દ્વારા) અને મહાપ્રસાદ- જમણવાર 12-00થી 1-30 કલાકે રાખવામાં આવ્યો છે.
સમગ્ર આયોજન પરશુરામ ધામ મંદિર ટ્રસ્ટ-લીંબડી દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં દેશ-વિદેશમાં રહેતા તેમજ તમામ બ્રહ્મઅગ્રણીઓ આ ધાર્મિક કાર્યક્રમોમાં હાજર રહેવાના છે. ઉપરાંત સમગ્ર ગુજરાતના બ્રહ્મસમાજના સદસ્યો અને ભૂદેવોની હાજરીમાં મહાઆરતીનું પણ આયોજન કરાયું છે. ટ્રસ્ટના સભ્યો તેમજ કાર્યકરો દ્વારા ભારે જહેમત ઉઠાવી સમગ્ર ધાર્મિકોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. બહારથી આવતા ભૂદેવો તેમજ ધર્મપ્રેમી જનતા માટે સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે તેવું ટ્રસ્ટના પ્રમુખ કે. સી. દવે દ્વારા એક યાદીમાં જણાવાયું છે.