પાણી ના હોય તો નોકરી નો કરાય કહી માતા-પુત્રો સહીત ચારે ધમાલ મચાવી
કુવાડવા પોલીસમાં ફરિયાદ : બંદૂક બતાવનાર આરોપી પિસ્તોલ સાથે ઝડપાયો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ તાલુકાના ફાળદંગ ગામમાં રહેતાં ગ્રામ પંચાયતના કર્મચારીને હડધૂત કરી, ધોકાથી માર મારી, બંદૂક જેવું હથિયાર દેખાડી ધમકી આપવા અંગે ગામના જ માતા-પુત્રો સહીતના સામે કુવાડવા રોડ પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
- Advertisement -
રાજકોટ નજીક ફાડદંગ ગામે રહેતાં અને ગ્રામ પંચાયતમાં પાણીનો વાલ્વ ખોલી પાણી છોડવાની નોકરી કરતાં દાનાભાઈ વીરાભાઈ વાળા ઉ.50એ તેના જ ગામના મનુબેન ધીરૂભાઈ વાળા તેના બે પુત્રો શિવરાજ અને જયરાજ ઉપરાંત અજાણ્યા શખ્સ સામે કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેને સંતાનમાં બે દિકરા અને એક દિકરી છે ગત સવારે તે ઘરે હતા ત્યારે તેના ગામના મનુબેન વાળાએ ફોન કરી અમારા ઘરે આજે પાણી આવ્યું નથી, તાત્કાલિક ઘરે પાણી આપો કહેતાં તેને હું છેલ્લા 15 દિવસથી રોજ પાણી આપું છું, આજે પાણીના ટાંકામાં પાણી નથી, હું થોડીવારમાં પાણીની વ્યવસ્થા કરું છું તેમ જવાબ આપતા તેને ફોનમાં ગાળો આપી, પાણી ના હોય તો નોકરી નો કરાય, નિકળી જવાય, હું હમણા શિવરાજને તારા ઘરે ચાવી લેવા મોકલું છું તેમ કહ્યું હતું થોડીવાર બાદ આરોપી શિવરાજ તેના ઘરે આવી પાણીના ટાંકાની ઓરડીની ચાવી લાવો મારે પાણી ચાલુ કરવું છે કહેતાં તેને હું સરપંચને પૂછયા વગર ચાવી ના આપું તેમ જણાવતાં આરોપી તેને ગાળો દેવા લાગ્યો હતો. એટલું જ નહીં હું હમણાં આવું છું તું થોડીવાર ઉભો રહે તેમ કહી જતો રહ્યો હતો. થોડીવાર બાદ તે તેના પરિવારજનો સાથે શેરીમાં ઉભા હતા ત્યારે ત્યાં કારમાં આવેલા આરોપીઓ પૈકી શિવરાજ કે જેના એક હાથમાં ધોકો એક હાથમાં બંદૂક જેવું હથિયાર હતું તે તેમજ જયરાજ અને અજાણ્યા શખ્સ પાસે ધોકો હતો તે તમામ તેની પાસે ધસી આવ્યા હતા અને માથાકૂટ કરી ગાળો આપવા લાગ્યા હતા અને અપમાનિત કરી ઝઘડો કરવા લાગ્યો હતો મનુબેને તેના પુત્ર રાજુને બે તમાચા ઝીંકી શિવરાજે રાજુને ધોકાનો ઘા ઝીકી દીધો હતો. જેથી તેનો પુત્ર ત્યાંથી ભાગી ગયો હતો જયારે જયરાજે તેને ધોકાનો ઘા ઝીંકી દીધો હતો આ સમયે શિવરાજે તેની પાસે રહેલું બંદૂક જેવું હથિયાર બતાવી આ તારી સગી નહીં થાય એટલ છું જ નહીં તેના પત્ની ચંપાબેનને કહ્યું કે તું તો એક ધોકાની ગરાક છો કહી પછાડી દઈ ધમકી આપી હતી.
ત્યાર બાદ શિવરાજે તારા દિકરા રાજુને જયાં રાખવો હોય ત્યાં રાખજે તેને મારી નાખવો છે તેમ કહી ધમકી આપી હતી. બાદમાં આરોપીઓ ત્યાંથી જતા રહ્યા હતા આ અંગે કુવાડવા રોડ પોલીસે દાનાભાઈની ફરિયાદ પરથી ચારેય સામે ગુનો દાખલ કરી શોધખોળ શરૂ કરી હતી.
દરમિયાન પીસીબી પીઆઇ એમ આર ગોંડલીયા અને તેની ટિમ દ્વારા પણ આરોપીઓને પકડવા કવાયત શરૂ કરી હતી ત્યારે કિરતસિંહ ઝાલા, વાલજીભાઇ જાડા અને રાહૂલગિરી ગોસ્વામી સહિતના સ્ટાફને મળેલી બાતમી આધારે ઉપરોક્ત ગુનામાં સંડોવાયેલ આરોપી શિવરાજ ધીરૂભાઈ વાળા ઉ.24ને બાતમી આધારે માલિયાસણ ચોકડી પાસે પાનની દુકાનેથી ઝડપી લઇ તેની પાસેથી 10 હજારની કિંમતની દેશી બનાવટની પિસ્તોલ કબજે કરી હતી. આરોપી શિવરાજ અગાઉ અપહરણ, દારૂ, મારામારી અને જુગાર સહિત પાંચ ગુનામાં કુવાડવા, આજી ડેમ અને ભાડલા પોલીસ મથકમાં પકડાઈ ચુક્યો હોવાનું જાણવા મળ્યું છે.