ભૂપતભાઈ બોદરે પંચાયત વિભાગને લગત વિવિધ પ્રશ્નોની પંચાયત મંત્રી બચુભાઈ ખાબડ સમક્ષ રજૂઆત કરી
ખાસ-ખબર સંવાદદાતા
ગાંધીનગર ખાતે ગુજરાત પંચાયત પરિષદના હોદેદારો ની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વર્તમાન પંચાયતી રાજના પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી તેમજ મુખ્યત્વે ગુજરાત પંચાયત પરિષદ અને રાજ્ય સરકારના સહયોગથી પંચાયતી રાજ ના પદાધિકારી માટે અધ્યતન તાલીમ કેન્દ્ર બનાવવા અંગે રાજ્ય સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી. તેમજ આ તાલીમકેન્દ્ર અધ્યતન બને અને રાજ્યના તમામ સ્તરના પંચાયતી રાજના પદાધિકારીઓને પંચાયતી રાજ વ્યવસ્થા અંગે સંપૂર્ણ તાલીમ મળી રહે તે પ્રકારનું અધ્યતન તાલીમ કેન્દ્ર બનશે.
આ બેઠકમાં રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ અને પંચાયત પરિષદના ઉપાધ્યક્ષ ભુપતભાઈ બોદરે પંચાયત વિભાગને લગત વિવિધ પ્રશ્નો જેવા કે જેમ પોર્ટલમાં ખરીદી કરવામાં ગ્રામ્ય લેવલે પડતી મુશ્કેલીઓ, રાજકોટ જિલ્લા પંચાયત ભવનના નવા બિલ્ડીંગને સૈદ્ધાંતિક મંજૂરી, જિલ્લા પંચાયતના વિવિધ વિભાગોમાં ઘટતા સ્ટાફની પૂર્તતા કરવા , ગ્રામ્ય વિસ્તારમાં મંજુર થતા નવા રોડ રસ્તાઓને જૂની ટ્રાફિક પેટર્નના બદલે વર્તમાન ટ્રાફિક પેટર્નને ધ્યાનમાં રાખી વધારે થિકનેસ અને ગુણવત્તા યુક્ત રસ્તાઓ બનાવવા, ગ્રામ્ય વિસ્તારના જે ગામોમાં ભૂગર્ભ ગટર તેમજ પાણીના કામો પૂર્ણ થઈ ગયેલા છે ત્યા ઉદ્ભવતા ટાઇડ-અનટાઇડ ગ્રાન્ટના પ્રશ્નો અંગે વિગતવાર રજૂઆત કરી હતી. બેઠકમાં તેમજ આ તમામ બાબતો અંગે રાજ્યના પંચાયત મંત્રી બચુભાઈ ખાબડ સમક્ષ લેખિત રજૂઆત કરી હતી.