સૈન્યની વેબસાઇટ્સ પર હુમલો સફળ રહ્યાનો પાક.નો દાવો
ખાસ-ખબર ન્યૂઝ ઇસ્લામાબાદ, તા.6
પહલગામ આતંકવાદી હુમલા પછી ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ ટોચ પર છે ત્યારે પાકિસ્તાની હેકરોએ ભારતની લશ્ર્કરની વેબસાઇટ્સને નિશાન બનાવવા માંડી છે. કદાચ હેકરોએ લશ્ર્કરની અમુક સાઇટ્સ પર સંરક્ષણ કર્મચારીઓ અંગેની સંવેદનશીલ માહિતી મેળવી પણ છે, તેમા તેમની લોગ ઇન ક્રેડેન્સિયલ્સનો પણ સમાવેશ થાય છે, એમ ભારતીય લશ્ર્કરે જણાવ્યું હતું.
- Advertisement -
પાકિસ્તાન સાઇબર ફોર્સે મિલિટરી એન્જિનિયર સર્વિસિસ અને મનોહર પરિકર ઇન્સ્ટિટયુટ ઓફ ડિફેન્સ સ્ટડીઝ એન્ડ એનાલિસિસની સંવેદનશીલ માહિતી મેળવી છે. આ ઉપરાંત પાક. હેકરોના ગુ્રપે સંરક્ષણ મંત્રાલયના નેજા હેઠળના એકમ આર્મર્ડ વ્હીકલ નિગમ લિમિટેડની સત્તાવાર વેબસાઇટ સાથે ચેડા કરવાનો પ્રયાસ કર્યો હતો. વેબસાઇટ પર પાકિસ્તાની ધ્વજ ફરકાવ્યો હતો અને અલ ખાલિદ ટેન્ક દર્શાવી હતી. તકેદારીના પગલાં તરીકે વેબસાઇટ ઓફલાઇન કરવામાં આવી છે. તેને કેટલી હદ સુધી નુકસાન થયું છે તે ચકાસવા માટે ઓડિટ શરૂ કરાયું છે.
અગાઉ આઇઓકે હેકર નામના પાકિસ્તાની ગુ્રપે ઇન્ડિયન આર્મીની વેબસાઇટ પર હુમલો કર્યો હતો, જેને નિષ્ફળ બનાવાયો હતો. ગુ્રપે આર્મી પબ્લિક સ્કૂલ શ્રીનગર અને રાણીખેત, આર્મી વેલફેર હાઉસિંગ કોર્પોરેશન અને ઇન્ડિયન એરફોર્સ પ્લેસમેન્ટ પોર્ટલ પર હુમલા કર્યા હતા. આવા જ અન્ય બનાવમાં સાઇબરગુ્રપ હોક્સ 1337 અને નેશનલ સાઇબર ક્રૂ નામ ના પાક હેકરોના જૂથે જમ્મુમાં આર્મી પબ્લિક સ્કૂલની વેબસાઇટને ટાર્ગેટ બનાવી હતી.



