પદ્મકુંવરબા હૉસ્પિટલમાં મોત સમાન જીવતા વાયરો ખુલ્લા, લિફ્ટના સ્વિચબોર્ડ લટકી પડ્યા
હૉસ્પિટલમાં છત પરથી ટપકતું પાણી
- Advertisement -
ચાંદીપુરા વાયરસ મોં ફાડીને ઉભો છે ત્યારે હૉસ્પિટલમાં ગંદકીના થર
લિફટ છે કે ગુફા ! ચડતાં પહેલાં સો વાર વિચાર કરવો પડે તેવી લિફટ
હૉસ્પિટલની સમસ્યાઓને લઇને સ્ટાફ દ્વારા RMOને રજૂઆત છતાં નક્કર પરિણામનો અભાવ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટની પદ્મકુંવરબા હોસ્પિટલ કે જ્યાં સૌરાષ્ટ્રભરની મહિલાઓ પ્રસુતિ માટે આવતી હોય છે. અહીં દરરોજ હજારોના જન્મ થતા હોય છે પરંતુ આ જ હોસ્પિટલમાં ગંદકી, વ્યવસ્થાનો અભાવ જોવા મળી રહ્યો છે જેના કારણે બાળકોનું સ્વાસ્થ્ય પણ જોખમાય છે. હાલના સમયમાં ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવ્યો છે. ચાંદીપુરા વાયરસની ઝપેટમાં બાળકો આવી રહ્યા છે ત્યારે હવે પદ્મકુંવરબા હોસ્પિટલમાં લિફ્ટ તો છે પરંતુ લિફ્ટનું સ્વિચ બોર્ડ ખખડધજ હાલતમાં છે સાથે જ મેડિકલ વિભાગમાં છત પર ભેજ આવતા પાણી ટપકી રહ્યું છે જેના કારણે નીચે ડોલ મુકવામાં આવી છે. ભેજના કારણે માખી-મચ્છરો પણ થવાનો ભય એટલા જ અંશે રહે છે.
આ વાત અહીંથી જ નથી પૂરી થતી પરંતુ એસીમાંથી પાણી ટપકવું, જાહેરમાં રસ્તા પર ગંદકીના ગંજ જોવા મળે છે. ખુલ્લામાં કચરાની ડસ્ટબીન રાખવામાં આવી છે જેમાં માખી-મચ્છર થતાં રોગચાળો ફેલાય તેવી દહેશત છે. આમ નાના બાળકોના સ્વાસ્થ્ય સાથે શા માટે ચેડાં કરવામાં આવી રહ્યા છે? હોસ્પિટલ તંત્ર આંધળું છે કે પછી જાણીજોઈને આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે? અનેક વખત રજૂઆત છતાં કેમ કોઈ યોગ્ય ઉકેલ લાવવામાં આવતો નથી? દર્દીઓના સગા-વહાલાઓ પણ ગંદકી તેમજ અવ્યવસ્થાના કારણે હેરાન પરેશાન થઈ રહ્યા છે. આરએમઓને અનેક રજૂઆત કરવામાં આવી છતાં પણ કોઇ નક્કર પગલાં લેવામાં આવ્યા ન હોવાનું ખાસ-ખબરની ટીમને હોસ્પિટલ સ્ટાફે જણાવ્યું હતું.