કોળી સમાજને હડધૂત કરનાર જેતપુરનાં P.I.નો વાળ પણ કેમ વાંકો થતો નથી?
કુંવરજીભાઈ બાવળિયા અને પરષોત્તમ સોલંકી જેવા કોળી સમાજનાં નેતાઓ ભાજપથી નારાજ છે ત્યારે વધુ એક જખ્મ આપવો જોખમી
જેતપુર સિટી પોલીસ પી.આઈ. જે.બી. કરમુરે કોળી સમાજના આગેવાનનું અપમાન કરી સમગ્ર કોળી સમાજને દલાલ કહ્યા બાદ કોળી સમાજમાં જે.બી. કરમુર વિરુદ્ધ રોષ ફાટી નીકળવો સ્વાભાવિક હતો પરંતુ હવે કોળી સમાજનો આ રોષ કરમુર ઉપરાંત પોતાના સમાજના કહેવાતા નેતાઓ-આગેવાનો પર પણ ફાટી નીકળ્યો છે. કોળી સમાજને દલાલ કહેનાર પી.આઈ. કરમુર વિરુદ્ધ એક શબ્દ પણ ઉચ્ચારવા કે તેના વિરુદ્ધ પગલાં ભરવા કોળી સમાજના કોઈપણ નેતાઓ-આગેવાનો હજુ સુધી બહાર આવ્યા નથી. જેતપુરનાં પી.આઈ. કરમુરના અપલખ્ખણ બાબતેનું મૌન ભાજપને ભારે પડી શકે તેમ છે.
શું કરમુરનાં છેડા પુતિન અને બાઈડન સુધી છે? તેની વિરૂદ્ધ કાર્યવાહી કેમ થતી નથી?
ગુજરાતમાં પાટીદાર સમાજ જેટલી જ જનસંખ્યા ધરાવતા કોળી સમાજનું સીમથી લઈ સંસદ સુધી વર્ચસ્વ કેટલું અને કેવું છે એ સૌ કોણ જાણે છે. કોળી સમાજના નેતાઓની તાકાત અને ઔકાતથી પણ સૌ વાકેફ છે એ સમયે કોળી સમાજને દલાલ કહ્યા બાદ તેમના સમાજના અગ્રણીઓ કેમ ચૂપચાપ છે એ સૌથી યક્ષપ્રશ્ન છે. કેમ જેતપુર સિટી પી.આઈ. કરમુરે આખા કોળી સમાજને દલાલ કહ્યા બાદ હજુ સુધી એકપણ કોળી નેતા કે આગેવાન ખુલીને સામે આવ્યા નથી અને પી.આઈ. જે.બી. કરમુર વિરુદ્ધ એક શબ્દ પણ ઉચ્ચારી શક્યા કે કડક પગલાં લેવામાં આવે તેવી માંગણી કરી શક્યા નથી? શું કોળી સમાજના નેતાઓ-આગેવાનો એવું સ્વીકારે છે કે કરમુરે કહ્યા એ શબ્દો સાચા છે? અથવા કરમુર જેવા માથાફરેલા પોલીસવાળાને બે શબ્દો કહેવા જેટલું પણ પાણી કોળી સમાજના નેતાઓ-આગેવાનોમાં નથી. જે.બી. કરમુરે કોળી સમાજને દલાલ કહી સમગ્ર કોળી સમાજના લોકોનું અપમાન કર્યા બાદ પણ કોળી સમાજના અગ્રણીના મૌનથી કોળી સમાજના લોકોમાં પ્રચંડ રોષ છે. કોળી સમાજના લોકો પોતાના કહેવાતા નેતાઓ-આગેવાનોથી નારાજ છે અને તેમની આ નારાજગી વિધાનસભા ચૂંટણીના મતદાન-પરિણામમાં પણ અસર કરી શકે તેમ છે. અવારનવાર કોળી સમાજના નેતાઓ-આગેવાનો પોતાના સમાજના નામ પર કઈકેટલુંય બોલી-માંગી લેતા હોય છે. કોળી સમાજના લોકોના મોટીમોટી ઉત્કર્ષની વાતો કરનારા તેમના જ સમાજના નેતાઓ-આગેવાનો જ્યારે કોળીઓને દલાલ કહેવામાં આવ્યા છે ત્યારે જે ભેદી મૌન સેવી બેઠા છે એ સમગ્ર કોળી સમાજ માટે અકળાવનારી અને અપમાનજનક બાબત છે. કોળી સમાજને હડધૂત કરનાર જેતપુરનાં પી.આઈ.નો વાળ પણ કેમ વાંકો થતો નથી? શું કરમુરનાં છેડા પુતિન અને બાઈડન સુધી છે? તેની વિરૂદ્ધ કાર્યવાહી કેમ થતી નથી?
- Advertisement -
P.I. કરમુરને ‘ઈમ્પલ્સ ક્ધટ્રોલ ડિસઓર્ડર’ નામની માનસિક બીમારી?
જેતપુર સિટી P.I. જે.બી. કરમુર જે પ્રકારે કારણ વગર વારંવાર પિત્તો ગુમાવે છે અને સામેની વ્યક્તિ કોણ છે, આરોપી છે કે ફરિયાદી છે- એટલી પ્રાથમિક વિગત જાણ્યા વગર તેને ભૂંડા બોલવા માંડે છે, તે એક માનસિક બીમારીનાં લક્ષણ હોઈ શકે છે. ગુજરાતનાં જાણીતા અને પ્રથમ હરોળનાં મનોચિકિત્સક ડો. મુકુલ ચોકસીને ‘ખાસ-ખબર’એ કરમુરનું નામ કે હોદ્દાનો ઉલ્લેખ કર્યા વગર પૂછયું હતું કે, કોઈ વ્યક્તિમાં આવા લક્ષણો દેખાય તો તેને કોઈ બીમારી હોઈ શકે? ડો. ચોકસીએ જણાવ્યું હતું કે, ‘સામાન્ય રીતે આવાં લોકોને ‘ઈમ્પલ્સ કંટ્રોલ ડિસઓર્ડર’ નામનો રોગ હોઈ શકે. આવાં લોકો કોઈ જ કારણ વગર પણ ગુસ્સે થઈ જતાં હોય છે. આવા લોકોને સ્વસ્થ કરવા માટે મનોચિકિત્સામાં અનેક અસરકારક દવાઓ છે અને તેની સારવાર શક્ય છે.’ ડો. ચોકસીએ એમ પણ ઉમેર્યું હતું કે, યુવાવર્ગમાં, વર્ક ફ્રોમ હોમ કરનારાઓમાં અને ગૃહિણીઓમાં પણ આજકાલ ગુસ્સાનું વધુ પ્રમાણ જોવા મળે છે.
P.I. કરમુરની ગેરવર્તણૂંક અંગે ગૃહમંત્રી સાથે વાત કરીશ: હીરાભાઈ સોલંકી
- Advertisement -
જેતપુરનાં વિવાદાસ્પદ પોલીસ ઈન્સ્પેકટર જે.બી. કરમુરની ગેરવર્તણૂંક અને કોળી સમાજ વિશેની તેમની અત્યંત અભદ્ર ટિપ્પણી બાબતે સમગ્ર કોળી સમાજમાં ભારે રોષ છે. આ વિશે કોળી સમાજનાં અગ્રણી હીરાભાઈ સોલંકીએ ‘ખાસ-ખબર’ને જણાવ્યું હતું કે, તેઓ કરમુરનાં વાણી-વિલાસ અંગે જિલ્લા પોલીસ વડા સાથે અને ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે વાત કરવાનાં છે. તેમણે જણાવ્યું હતું કે, ‘આ તો સરેઆમ અન્યાય છે. આ અન્યાય કોળી સમાજ સહન નહીં કરે. કોઈ ફરિયાદ કરવા ગયા હોય ત્યારે તેમની ફરિયાદ શાંતિથી સાંભળવાને બદલે આવી ઉદ્ધતાઈથી જો કોઈ અમલદાર વાત કરતો હોય તો તે બિલકુલ ન ચાલે!’
આ પણ વાંચો: જૂનાગઢ મનપાનો એકડા ઉપર બગડો, 1ના સ્થાને 2 લખી વર્ષ 2022નાં બીલ ઉધારી નાંખ્યા?